વિજયસિંહ સોલંકી,ગોધરા

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ તા.૧૪મી એપ્રિલ, ૨૦૧૮ થી તા. ૫મી મે, ૨૦૧૮ સુધી ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણી અંતર્ગત સમગ્ર રાજયની સાથે પંચમહાલ જિલ્લામાં પણ ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણી કરવામાં આવનાર હોવાનું જિલ્‍લા વિકાસ અધિકારી એ.જે.શાહે જણાવ્‍યું છે.
જિલ્લામાં આ ઉજવણીનું સુચારૂં આયોજન થઇ શકે તે માટે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહે આ અંગેની યોજાયેલ બેઠકમાં અધિકારીઓને તા. ૧૪મી એપ્રિલ થી તા. ૫મી મે, ૨૦૧૮ દરમિયાન ગ્રામ સ્વરાજય અભિયાન અંતર્ગત યોજવામાં આવનાર વિવિધ કાર્યક્રમોની વિગતો આપતાં કહ્યું હતું કે, તા. ૧૪મી એપ્રિલના રોજ સામાજિક ન્યાય દિવસ, તા. ૧૮મીના રોજ સ્વચ્છ ભારત દિવસ, તા.૨૦મીના રોજ ઉજજવલા દિવસ, તા.૨૪મીના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, તા.૨૮મીના રોજ ગ્રામ સ્વરાજ દિવસ, તા. ૩૦મીના રોજ આયુષમાન ભારત દિવસ, તા.૨જી મેના રોજ કિસાન કલ્યાણ દિવસ અને તા.૫મી મેના રોજ આજીવિકા દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્‍યું છે. જિલ્‍લાના ગોધરા અને કતાડીયા ખાતે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કતાડીયામાં કેન્‍દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભોનું લાભાર્થીઓને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્‍તે વિતરણ કરવામાં આવશે.
શ્રી શાહે અધિકારીઓને આ દિવસો દરમિયાન વિષયને અનુરૂપ જિલ્લા/તાલુકા કક્ષાએ કાર્યક્રમોનું આયોજન કરવાની સાથે જે તે વિભાગો દ્વારા આપવા પાત્ર થતી સહાય લાભાર્થીઓ સુધી પહોંચે અને કોઇ લાભાર્થીઓ લાભોથી વંચિત ન રહે તે જોવા જણાવ્‍યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત દેશના ૫૩૦ જિલ્લાઓના ૨૧,૫૦૮ ગામોની પસંદગી કરવામાં આવી છે જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કતાડીયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત આ ગામમાં આ અભિયાન અંતર્ગત ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી સૌભાગ્‍ય યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, મિશન ઇન્દ્રધનુષ, વિધવા સહાય, વૃધ્ધ સહાય, સંકટ મોચન સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, મા કાર્ડ યોજના, મા વાત્સલય યોજના જેવી વિવિધ યોજનાઓ હેઠળના લાભાર્થીઓને લાભાન્વિત કરવાની સાથે શૌચાલયયુકત ગામની પરિકલ્પનાને સાકાર કરવાની સાથે કોઇપણ લાભાર્થી લાભથી વંચિત રહેવા ન પામે તે જોવાનો જિલ્લા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

LEAVE A REPLY