(વિશાલ મિસ્ત્રી રાજપીપલા):
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સીરા (નવાપુરા )ગામે સોમવારે સવારે 11 કલાકે ગામના જેન્તીભાઇ મગનભાઈ તડવી અને કાંતિભાઈ મગનભાઈ તડવીના કાચા મકાનોમાં અચાનક શોર્ટસર્કીટના કારણે આગ લગતા મકાનોમાં રહેલી ઘરવખરી,રોકડ,દાગીના સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.આ બે ભાઈઓના મકાનોમાં આગ લાગતા એમની બાજુના મથુરભાઈ રણછોડભાઈ તડવીનું ઘર પણ આગની લપેટમાં આવ્યું હોવાનું જાણવા મળે છે.અચાનક લાગેલી આગને પગલે ગામમા બુમ બમ મચી હતી.
જાણવા મળ્યા મુજબ આગ લાગી તે સમયે મોટાભાગના લોકો ખેતરે કામ અર્થે હોવાથી તમામ આગની જાણ થતા તાત્કાલિક દોડી આવ્યા અને ગ્રામજનોએ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો કર્યો અને ફાયરને જાણ કરતા રાજપીપલા નગરપાલિકાની ફાયર ટીમ ત્યાં દોડી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે હાલ રસ્તાનું કામ ચાલુ હોવાથી ઘણા ડાઇવર્જનો અને ખરાબ રસ્તાના કારણે ફાયર ટિમ ત્યાં પહોંચે તે પેહલા બંને મકાનોમાં આગ વધુ ફેલાતા તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આ ભીષણ આગમાં કપાસ,ઘરવખરીનો સમાન તથા સોના-ચાંદીના દાગીના બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું.આ ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું.આ આગમાં બે સગાભાઇના મકાનોને વધુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ આગમાં મથુર રણછોડ તડવીના ઘર નંબર ૨૬/૨ માં ૧૨૫૦૦૦ રૂપિયાનો માલ સમાન,જયંતિ મગન તડવીના ઘર નંબર ૬૩ માં ૧૫૦૦૦૦ રૂપિયાનો માલસામાન ૪૫૦૦૦૦ રૂપિયાની ઘરવખરી,કાંતિ મગન તડવીના ઘર નંબર ૬૪ માં ૧૪૦૦૦૦ રૂપિયાનો માલસામાન ૪૦૦૦૦૦ રૂપિયાની ઘરવખરી મળી કુલ ૧૨૬૫૦૦૦ રૂપિયાની સત્તાવાર નુકસાની થઈ છે.
આ આગમાં તંત્રની પોલ ઉઘાડી પડી હતી.તિલકવાડા તાલુકા માટે ફળવાયેલો ફાયર ફાઈટર છેલ્લા દોઢ વર્ષથી બગડેલી હાલતમાં હોવાથી 40 કિમિ દૂર રાજપીપળા નગરપાલિકામાંથી ફાયર ફાઈટર બોલવાયો હતો.તો બીજી બાજુ ફોરલેન રસ્તાનું કામ ચાલતું હોવાથી બમ્બો 1 થી 2 કલાક મોડો આવતા વધુ નુક્સાન થયું હતું.ત્યારે તિલકવાડા વહીવટીતંત્ર દ્વારા દોઢ વર્ષ સુધી બગડેલા ફાયર ફાઈટર માટે કેમ કોઈ કાર્યવાહી નહી કરાઈ હોય એ પ્રશ્ન છે.જોકે ટીડીઓ દ્વારા જાત તપાસ કરી તાત્કાલિક પીડિતોને નુકસાની પેટે સહાયની કામગીરી હાથ ધરી હતી.