ભરૂચના જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોવાને કારણે સીલ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં હાલ ઓ.પી.ડી વિભાગ કાર્યરત રહેશે જ્યાં સુધી ફાયર સેફટીના સાધનો લગાડવામાં નહીં આવે ત્યાં સુધી અન્ય કોઈ કામગીરી હોસ્પિટલમાં કરી શકાશે નહીં.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફાયર સેફટી વગરની શાળા, નર્સિંગ હોમ કે હોસ્પિટલોમાં કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે જેના ભાગરૂપે આજે જંબુસર નગરપાલિકા વિસ્તારમાં રેફરલ હોસ્પિટલ ખાતે ફાયર એનઓસી ન હોવાના કારણે નગરપાલિકાના ચીફ ઓફિસર અને ફાયરના માણસો દ્વારા સ્થળ ચકાસણી કરી રેફરલ હોસ્પિટલના તમામ રૂમો બંધ કરી દેવામાં આવ્યા છે, માત્ર ઓપીડી વિભાગ ચાલુ રાખવામાં આવ્યો છે. નિયમ મુજબ એનઓસી ન હોવાના કારણે અન્ય કોઈ વિભાગમાં કામગીરી હાલ થઈ શકશે નહીં તેવું જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ જણાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે ફાયર સેફટી વગરના એકમોમાં અનેક વખત અનિચ્છનિય ઘટનાઓ બનતી હોય છે. જેમ કે સુરતમાં તક્ષશિલા ક્લાસીસ ખાતે અગ્નિ કાંડ થયો હતો જેમાં અનેક બાળકોની જિંદગી હોમાઇ ગઇ હતી, તેમજ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. આથી ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે કે ફાયર સેફટી અને એનઓસી ના હોય તો તેવા એકમો સામે કાર્યવાહી કરવી તેવો આદેશ આપતા આજે ભરૂચના જંબુસર વિસ્તારમાં આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે જંબુસરની રેફરલ હોસ્પિટલને સીલ કરાઇ છે.