હાલમાં સુરતમાંથી એક ચકચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લિંબાયત નીલગીરી સર્કલ નજીક નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ કોન્સ્ટેબલ પર 2 હુમલાખોરો દ્વારા ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. લિંબાયત પોલીસ દ્વારા બન્ને હુમલાખોરોની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. અહી ઉલ્લેખનીય છે કે, પોલીસકર્મીએ ઝઘડો નહીં કરી ઘરે જવાનું કહેવા બદલ બે યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને પીઠમાં એક ચપ્પુનો ઘા મારી દીધો હતો. આ ઘટનામાં અન્ય પોલીસકર્મીઓ જીપમાં ત્યાં આવી જતા પોલીસકર્મીનો જીવ બચી ગયો હતો.
લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 36 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ ભાવિન પુરુષોત્તમ સોલંકી 11 જૂનની મધરાતે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાઇક પર હતા. આ દરમિયાન, લિંબાયત નીલગીરી સર્કલની અંદર ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક હિરામણ કોળી વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પોલીસ કોન્સ્ટેબલ ત્યાં પહોંચી ગયા હતા અને તેઓને ઝઘડો ન કરવા જણાવ્યું હતું અને ઘરે જવા કહ્યું હતું. આનાથી ગુસ્સે ભરાયેલા ગણેશ ઉર્ફે છોટુએ સૈનિકની પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.
આ ઘટનામાં કોન્સ્ટેબલ દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક હિરામણ કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બીજી તરફ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થતો જોઈ શકાય છે.
મોડી રાત્રે ચાલતી ચાની લારી પર કેટલાક ઇસમો દ્વારા ઝગડો કરવામાં આવ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યો હતો. લિંબાયત પોલીસ દ્વારા ગણેશ છોટુ સૂર્યવંશી (રહે, શ્રીનાથ સોસા, લિંબાયત) અને દીપક હિરામણ કોળી (રહે, સંજયનગર)ની ધરપકડ કરવામાં આવી છે.