ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ બાદ શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગોની હાલત બદત્તર બની છે. ભરૂચ,દહેજ માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી મસમોટા ખાડાનું સામ્રાજ્ય ઉત્પન્ન થયું છે, ખાડામાં રસ્તો કે રસ્તા પર ખાડા તે બાબત વાહન ચાલકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ભરૂચ દહેજ માર્ગ પર બાયપાસ ફ્લાયઓવર હોય કે પછી ઔધોગિક વસાહત દહેજને જોડતો મુખ્ય માર્ગ હોય જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે.
ભરૂચની નર્મદા ચોકડીથી લઇ નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ સહિત શ્રવણ ચોકડીથી બાયપાસ ચોકડી વિસ્તાર અને દહેજ જતા માર્ગ હાલ તકલાદી બન્યો છે, તંત્રના અધિકારીઓ સહિત હાઇવે ઓથોરિટીમાં સ્થાનિકોની અવારનવારની ફરીયાદોનું પણ કોઈ નિરાકરણ ન આવી રહ્યું હોય તેવી સ્થિતિ વર્તમાન સમયમાં જોવા મળી રહી છે. ખુદ જિલ્લા કલેક્ટર દ્વારા જે તે વિભાગોને આ માર્ગનું રીપેરીંગ કાર્ય કરવા માટે સૂચનો અપાયા છતાં આજદિન સુધી તેનું પરિણામ જોવા મળી રહ્યું નથી જેને પગલે વાહન ચાલકો હાલ મજબુર બની બિસ્માર માર્ગ પરથી પસાર થઇ રહ્યા છે.
ભરૂચ, દહેજ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત પણ કફોડી બની ચુકી છે. મસમોટા ખાડાના કારણે જ્યાં એક તરફ વાહનોમાં નુકશાની થઇ રહી છે તો બીજી તરફ વાહન ચાલકોને કમર મણકા હલાવી મૂકે તેવી સ્થિતિનું સર્જન થયું છે તેમજ વાહન ચાલકોને શરીરને પણ નુકશાની થાય તેવી પરિસ્થિતિમાં માર્ગો જોવા મળી રહ્યા છે, બિસ્માર માર્ગના પગલે ખાડાથી બચવા માટે વાહન ચાલકો જેમ તેમ વાહન હંકારે છે જે બાદ અકસ્માતોની ઘટનાઓ પણ બનતી હોવાનું સામે આવી રહ્યું છે, તેવામાં તંત્ર વહેલી તકે આ માર્ગોનું રીપેરીંગ કાર્ય હાથધરે તે અત્યંત જરૂરી જણાઈ આવે છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744