ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા સિક્યુરીટી કર્મચારીઓએ અનિયમિત પગાર અને પીએફના મુદ્દે આજરોજ હડતાલ પર જઇને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.
આ અંગે સિક્યુરીટી કર્મચારીઓના જણાવ્યા અનુસાર બનાસ સિક્યુરીટી પર્સનલ ફોર્સ લિમિટેડના તાબા હેઠળ જીએમડીસીમાં કોન્ટ્રાક્ટ ચાલે છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ ૧૦૨ જેટલા ગાર્ડ અને છ જેટલા સુપરવાઇઝર સિક્યુરીટી કર્મચારીઓ તરીકે કામ કરે છે. છેલ્લા ૧૨ મહિના જેટલા સમયથી કર્મચારીઓના પગારમાંથી કપાયેલ પીએફની રકમ હજુ એજન્સી દ્વારા જમા કરાવવામાં આવી નથી. ઉપરાંત પગારમાંથી કાપવામાં આવતી કપાતની વિગત પગાર સ્લિપ સાથે આપવામાં આવતી નથી. આને લઇને પગારમાંથી કેટલી રકમની કપાત થઇ છે તેની પણ ખબર પડતી નથી. કર્મચારીઓએ કરેલ રજુઆતમાં જણાવાયું હતું કે કર્મચારીઓના પગારમાંથી કપાત કરેલ જુદા જુદા મહિનાઓના પીએફના નાણાં કોન્ટ્રાક્ટર દ્વારા પીએફ ઓફિસમાં જમા કરાવવામાં આવ્યા નથી. ૨૦૧૯ થી લઇને ૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન કુલ ૧૨ જેટલા મહિનાઓના પીએફના નાણાં હજુ પીએફ ઓફિસમાં જમા કરાવાયા નથી. કર્મચારીઓ દ્વારા તેમની રજુઆતમાં વધુમાં જણાવાયું હતુંકે તેઓને નિયમિત પગાર ચુકવાતો નથી, પગારમાં કેટલો રેટ ચુકવાય છે તેની પણ જાણ કરવામાં આવતી નથી તેમજ ગત ઓકટોબર માસથી અત્યારસુધીનો પગાર પણ ચુકવવામાં આવ્યો નથી. આ અગાઉ જીએમડીસીની હેડ ઓફિસમાં પીએફના નાણાં ગત તા.૨૮ મી નવેમ્બરના રોજ કરી આપવાનું કબુલ્યુ હોવા છતાં પ્રશ્નનો હલ આવ્યો નથી. કર્મચારીઓએ વારંવાર સંબંધિત અધિકારીઓને તેમની તકલીફો બાબતે રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ નહિ આવતા જીએમડીસીના સિક્યુરીટી કર્મચારીઓએ આજરોજ હડતાલ પાડીને આંદોલનનો આશરો લીધો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ