લોકલ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ગ્રામ્ય દ્વારા “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરી બાંધ બોડીની પીકઅપ ગાડીમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ-જુગાર તથા પ્રોહીબીશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત એલ.સી.બી. ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરાઈ હતી.
બાતમી મુજબ MH 46 BU 7159 નંબરની સફેદ કલરની બંધ બોડી પીકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરાઈ વડોદરાથી કરજણ થઈ ભરૂચ તરફ જતો હોવાની માહિતી મળતા, એલ.સી.બી. ટીમે નેશનલ હાઈવે-૪૮ પર દેથાણ ગામની સીમમાં આવેલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.
શંકાસ્પદ ગાડી નજરે પડતાં પોલીસે પીછો કરી હાઈવે પર જે.એસ.ટી. હોટલ સામે કોર્ડન કરી ગાડી ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ગાડીમાં પ્રેસ્ટીજ લખેલા બોક્સમાંથી જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૭૦ પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ ૨૧૩૬ બોટલ કિ.રૂ. ૧૦,૪૬,૦૦૦/-ની કિંમતની હતી.
આ સાથે મહિન્દ્રા પીકઅપ ગાડી કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- અને બે મોબાઈલ ફોન કિ.રૂ. ૫,૫૦૦/- મળી કુલ રૂ. ૧૫,૫૧,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પકડાયેલ ડ્રાઈવર કમલેશકુમાર ખુમારામ પતાલિયા મેધવાલ (રહે. નેહરૂ કોલોની, સાંચોર, જી. જાલોર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂ મુંબઈથી ભરી લાવવામાં આવ્યો હતો અને ભરૂચ તરફ વિક્રમસિંગ નામના શખ્સને સપ્લાય કરવાનો હતો તેવી માહિતી સામે આવી છે.
આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.કે. ભુત સહિતની ટીમે સફળતા મેળવી છે. ટીમે ભરૂચમાં દારૂનો રિસિવર વિક્રમસિંગ કોણ છે તેની તપાસ શરૂ કરી છે.
