શુક્રવારે જિલ્લા પંચાયત માટે ૩૫, તાલુકા પંચાયત માટે ૧૫૧ તેમજ નગરપાલિકા માટે ૫૧ ફોર્મ ભરાયાં
। ભરૂચ !
ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારે સસ્પેન્શભરી સ્થિતી જોવા મળી છે. એક તરફ કોંગ્રેસે હજી સુધી તેમના કોઈ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, કોંગ્રેસના મેન્ડેટ પર કેટલાંય લોકોએ ઉમેદવારી કરી છે. બીજી તરફ ભાજપમાં રાજ્યના અન્ય જિલ્લામાં ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જોકે, ભરૂચ જિલ્લામાં ચાલી રહેલાં આંતરિક વિવાદને કારણે હજી યાદી જાહેર કરાઈ ન હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. શુક્રવારે આ લખાય છે ત્યાં સુધી હજી ભરાયેલાં ફોર્મની વિગતો એકત્ર કરાઈ રહી છે જોકે જિલ્લા પંચાયત માટે ૩૫, તાલુકા પંચાયત માટે ૧૫૧ તેમજ નગરપાલિકા માટે ૫૧ ફોર્મ ભરાયાંની પૃષ્ટી થઈ હતી.
ભરૂચ જિલ્લામાં હાલમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં આંતરિક વિવાદો સર્જાઈ રહ્યાં હોવાને કારણે હાજી સુધી બન્ને પક્ષે ઉમેદાવારોનું લીસ્ટ આ લખાય છે ત્યાં સુધી જાહેર કર્યું નથી. ભાજપમાં ઉમેદવારોના નામોની જાહેરાત મોડી થવા પાછળ ભરૂચના ધારાસભ્ય. સાંસદ તેમજ જિલ્લા પ્રમુખ વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોર સહિત પૂર્વ ધારાસભ્ય, સહિત અન્ય બે ચાલુ ધારાસભ્યોના માનિતાઓને જ ટિકિટ આપવામાં આવે તે માટેની ખેંચતાણ તેમજ કેટલીક બેઠકો કે જે સામાન્ય છે ત્યાં ઓબીસી ઉમેદવારો ઉભા કરવામાં આવતાં સાધાન્ય જ્ઞાતિના ઉમેદવારો કે જેઓ રોસ્ટર પ્રમાણે પોતાની તકની રાહ જોઈને બેઠાં હતાં. તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાર્ટીના ડેમેજ કન્ટ્રોલ માટે આખી રાત મહેનત કરાશે. ત્યારે આવતી કાલે સવારે યાદી જાહેર થયાં બાદ તમામ ઉમેદવારો સાથે જ ફોર્મ ભરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે.
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની આવતીકાલે શનિવારે ૧૧મી એપ્રિલે અંતિમ દિવસ છે. ફોર્મ ભરવાની પક્રિયાને લઈને શનિવારની સરકારી રજા રદ કરવામાં આવી છે. શુકવારે ભરૂચ જિલ્લામાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જિલ્લા પંચાયતની ૩૪ બેઠક માટે કુલ ૩૫ ફોર્મ ભરાયાં હતાં. તે જ રીતે કુલ ૯ તાલુકા પંચાયતોમાં ૧૫૧ ફોર્મ અને ૪ નગરપાલિકાઓમાં ૫૧ ફોર્મ ભરાયાં હતાં. જોકે, ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હજી ચાલુ હોઈ આ આંકડો હજી વધી શકે છે. છેલ્લા બે દિવસમાં ભરૂચ જિલ્લાની ૯ તાલુકા પંચાયતની બેઠકો માટે ૨૯૪ ફોર્મ ભરાયાં છે. જ્યારે જિલ્લા પંચાયત માટે ૪૩ અને નગરપાલિકા માટે ૫૮ ફોર્મ ભરાયાં છે.
