ભરૂચ.
અંક્લેશ્વરમાં ચોકીદારને સાથે રાખી ચોર ધમકાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંક્લેશ્વર જીઆઇડીસીના એક પ્લોટના માલિક તરીકે ઓળખ આપી એક શખ્સ પાસેથી વર્ષો સુધી ભાડું ખાધા બાદ તે પ્લોટનો તેમની વચ્ચે સોદો થયો હતો. જેમાં પ્લોટના માલિક અન્ય હોવાનો ઘટસ્ફોટ થયો હતો. દરમિયાનમાં બોગસ માલિકી હક્ક કરનાર શખ્સે બે કથિત પોલીસકર્મીઓ અને વકીલને સાથે રાખી ભાડૂઆતને ધમકાવી પ્લોટ ખાલી કરાવવાનો પ્રયાસ કરતાં તેમણે પોલીસ મહાનિર્દેશક સહિત સંલગ્ન કચેરીમાં ફરિયાદ આપી છે.
અંક્લેશ્વર જીઆઇડીસીમાં આવેલાં એચ 3155/30 નંબરના પ્લોટને મુકેશ રાજારામ શર્માએ ભાડેથી રાખ્યો હતો. અને 26 વર્ષથી તેઓ ત્યાં પોતાનો શેડ બનાવી તેમનો વેપાર કરે છે. મુંબઇના અંધેરીવેસ્ટ વિસ્તારમાં રહેતાં કિશોર હીરાલાલ ભારવાણીએ તે પ્લોટ તેમનો હોવાનું જણાવી દર મહિને તેમની પાસેથી ભાડૂ લેતો હતો. દરમિયાનમાં તેમની વચ્ચે કાનૂની કાર્યવાહી થતાં તેમણે વસુલાતનો દાવો કર્યો હતો. બાદમાં તેમનું સમાધાન થયું હતું. જે બાદ 25 સપ્ટેમ્બર 2013ના રોજ તેમની વચ્ચે કુલ 1.25 કરોડનો એગ્રીમેન્ટ ટુ સેલ કરવામાં આવ્યો હતો. જેના બદલામાં તેમણે 5 ચેક આપ્યાં હતાં અને તે પહેલાં તેમને રોકડાં 30 લાખ આપ્યાં હતાં.
એગ્રીમેન્ટ વેળાં તેમને માલુમ પડ્યું હતું કે, અંક્લેશ્વર જીઆઇડીસી ઓફિસમાં આ પ્લાટની માલિકી કે કાયદેસરની એલોટી કિશોર ભારવાણીની નથી. તે પ્લોટ અન્ય કોઇ ચાર વ્યક્તિઓ કે જેઓ મુંબઇના રહેવાસી છે તેમના નામે છે. જેથી તેમણે તુરંત તેમના ચેકોનું સ્ટોપ પેમેન્ટ કરાવી દેતાં કિશોરે તેમના પર ચેક રિટર્નની ફરિયાદ કોર્ટમાં દાખલ કરી હતી. જે હાલમાં પેન્ડીંગ છે.
અરસામાં ગત 29મી જૂન 2026ના રોજ કિશોર ભારવાણી ચાર શખ્સો સાથે તેમના શેડમાં ઘુસી આવ્યો હતો. જેમાં તેની સાથે આવેલાં એક શખ્સે પોતાનું નામ મોહસીન હોવાનું તેમજ તે અંક્લેશ્વર જીઆઇડીસીના પીઆઇના રાઇટર હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેમની સાથેના અન્ય એક શખ્સે પણ પોતાની પોલીસ તરીકે ઓળખ આપી હતી. જ્યારે ચોથી વ્યક્તિએ તેઓ વકીલ જયરાજ શાહ (રહે. શાલીગ્રામ એપાર્ટમેન્ટ, જીઆઇડીસી અંક્લેશ્વર ) હોવાનું જણાવ્યું હતું.
ચારેય જણાએ શેડમાં ઘુસતાની સાથે જ ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. મોહસીને તેમને ધમકીભર્યા સ્વરમાં કિશોરભાઇએ તમારા વિરૂદ્ધમાં અરજી આપી છે તમારે પ્લોટ ખાલી કરવો પડશે. તેમને કબજ સોંપવો પડશે તેવી ધમકીઓ આપવાની શરૂ કરી દીધી હતી. બીજી તરફ કિશોરે કથિત પોલીસ કર્મીઓની સામે જ મુકેશ શર્માને પ્લોટ ખાલી કરી દે નહીંતર જબરજસ્તીથી ખાલી કરાવી તેવી ધમકીઓ આપી હતી. દરમિયાનમાં તેઓએ પ્લોટમાં પ્રવેશી આમ તેમ ફરવા લાગતાં મુકેશ શર્માએ તેમના સ્ટાફને મોબાઇલથી વિડીયો ઉતારવા કહેતાં તેઓ થોડા ટાઢા થયાં હતાં. જે બાદ તમે પોલીસ સ્ટેશનમાં આવો, અમે ખાલી સ્થળ વિઝીટ કરવા આવ્યાં છે તેમ કહીં તેઓ તેમની નંબર પ્લેટ વિનાની ખાનગી વાહનમાં બેસી જતાં રહ્યાં હતાં. સમગ્ર ઘટનાને પગલ તેમણે પોલીસ મહાનિર્દેશક સહિત સંલગ્ન કચેરીમાં ફરિયાદ આપી છે.
