ભરૂચ :
ભરૂચ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓના નિરાકરણ માટે આંદોલન વધુ ઉગ્ર બનાવ્યું છે. 14થી વધુ પડતર પ્રશ્નોના નિરાકરણની માગ સાથે કર્મચારીઓએ અગાઉ 5 ઓક્ટોબરે માસ CL પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ હવે 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓ કાળા કપડાં પહેરી ધરણાં પર બેઠા હતા.
મહેસૂલી કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં બઢતી અને બદલીના પ્રશ્નોનો યોગ્ય નિકાલ, મહેસૂલી તલાટીઓ માટે સ્પષ્ટ જોબ ચાર્ટ નક્કી કરવો, પગાર ધોરણમાં જરૂરી સુધારા કરવા, સિનિયોરિટી યાદી વહેલી તકે પ્રસિદ્ધ કરવી તેમજ મૂળ જોબ ચાર્ટ સિવાયનું વધારાનું કામ ન સોંપવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
કર્મચારીઓના જણાવ્યા મુજબ, પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમક્ષ અગાઉ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં લાંબા સમયથી પ્રશ્નોનો નિકાલ નહીં આવતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
અચોક્કસ મુદતની હડતાળને કારણે ભરૂચ જિલ્લાની મહેસૂલી કચેરીઓમાં દૈનિક કામગીરી પર અસર થવાની શક્યતા છે. વિવિધ મહેસૂલી કામો માટે કચેરીઓમાં આવતા અરજદારોને પણ હાલાકી ભોગવવી પડી શકે છે. કર્મચારીઓએ સરકાર તેમની તમામ માંગણીઓનો સત્વરે ઉકેલ લાવે તેવી માગ કરી છે.
