ભરૂચ: ભરૂચ શહેરના કસક વિસ્તારમાં બેટરીની દુકાનનું શટર તોડી 25 જેટલી બેટરીની ચોરી કરવાના ગુનાનો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી ગોધરાથી એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ચોરીની 15 બેટરી અને ગુનામાં વપરાયેલી હ્યુન્ડાઇ વર્ના કાર સહિત કુલ રૂ. 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ગત તા. 30 સપ્ટેમ્બરના રોજ કસક વિસ્તારમાં આવેલી બેટરીની દુકાનનું શટર તોડી તસ્કરો આશરે 25 બેટરી ચોરી કરી ફરાર થયા હતા. આ ગુનાની તપાસ દરમિયાન LCBની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ કરતાં ચોરીમાં હ્યુન્ડાઇ વર્ના કાર નંબર GJ-12-BF-6211નો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું.
બાતમીના આધારે પોલીસ ગોધરા પહોંચી હતી, જ્યાંથી સાહીદ ઉર્ફે બાટલો મોહંમદ જમાલ શેખને કાર અને 15 બેટરી સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપીએ તેના સાગરીતો ફૈઝાન નુરીયા ખોટા અને અન્ય એક શખ્સ સાથે ભરૂચ આવી દુકાનનું શટર તોડી ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચોરાયેલી બેટરીઓમાંથી 10 જેટલી બેટરી વેચી દેવાઈ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે રૂ. 50 હજારની બેટરી અને રૂ. 1.50 લાખની કાર કબજે કરી આરોપીને સી ડિવિઝન પોલીસને સોંપ્યો છે. ઝડપાયેલા આરોપી સામે અગાઉ પણ ચોરીનો ગુનો નોંધાયેલો છે. વોન્ટેડ બંને આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
