ભરૂચ :
ભરૂચ શહેરમાં પ્રથમવાર BNS ગ્રુપ દ્વારા વિજયાદશમીના પર્વ નિમિત્તે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાવણ દહન નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતાં સમગ્ર ગ્રાઉન્ડ ઉત્સવના રંગે રંગાયું હતું. રાવણ દહન સાથે અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયનો સંદેશ આપવામાં આવ્યો હતો.
વિજયાદશમી એટલે કે દશેરાના પર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના આગેવાનો નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી અને હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.
ભરૂચમાં પ્રથમવાર યોજાયેલા આ રાવણ દહન કાર્યક્રમને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાવણ દહનના ભવ્ય આયોજનને નિહાળવા બાળકો, યુવાનો અને પરિવારજનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિજયાદશમીના પર્વની પરંપરા અને સાંસ્કૃતિક મહત્તાને ઉજાગર કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા BNS ગ્રુપના રૂષભ પટેલ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ભરૂચમાં પ્રથમવાર યોજાયેલા આ આયોજનથી દશેરાની ઉજવણીમાં નવો ઉમેરો થયો હતો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈને તહેવારની ખુશીઓ વહેંચી હતી.
