વાંકલ :
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં સિંચાઈ અને માળખાકીય સુવિધાઓના વિકાસને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂ. ૯.૭૫ કરોડનાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલુકાનાં ૧૨ ગામોની ૫,૪૦૦ એકર જમીનને સિંચાઈનો લાભ આપવા માટે રૂ. ૧૦૨ કરોડની કાકરાપાર-ગોડધા-વડ ઉદ્વહન સિંચાઈ યોજનાને મંજૂરી મળતાં ગ્રામજનો દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વિકાસકામો અંતર્ગત વકીલપરા ગામે રૂ. ૭.૩૫ કરોડના ખર્ચે બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે કંસાલી ગામે રૂ. ૨ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત વકીલપરા ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે નિર્મિત પંચાયત ભવન અને રૂ. ૧૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલા આંગણવાડી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બ્રિજના નિર્માણથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી અને પૂરના કારણે ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ ઓછી થવાની સાથે વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
માંગરોળ તાલુકાનાં ૧૨ ગામોના ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે રૂ. ૧૦૨ કરોડના ખર્ચે કાકરાપાર-ગોડધા-વડ ઉદ્વહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવશે. આ યોજના હેઠળ વડ ગામથી પાઇપલાઇન અને અંદાજે ૧૫૦થી ૨૦૦ કુંડીઓ (ચકો) મારફતે નાનીપારડી, હરસણી, મોસાલી સહિત ૧૨ ગામોની જમીન સુધી પાણી પહોંચાડવાનું આયોજન છે.
યોજનાથી આશરે ૫,૪૦૦ એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. ખાસ કરીને રવિ અને ઉનાળુ પાકની ખેતી કરતા ખેડૂતોને ડાંગર, શેરડી અને શાકભાજી જેવા પાકો માટે પાણીની સુવિધા ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. સિંચાઈની સુવિધા વધવાથી ખેતીકાર્યમાં સરળતા આવવાની સાથે ખેડૂતોને પણ લાભ થવાની આશા છે.
સિંચાઈ યોજનાને મંજૂરી મળવા અને વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવતાં તાલુકાનાં ૧૨ ગામોના ગ્રામજનો દ્વારા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ દીપકભાઈ વસાવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ગામીત, અંકિતાબેન ગામીત, સરપંચ હરેન્દ્રભાઈ ગામીત સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનોએ સિંચાઈ યોજના અને વિવિધ વિકાસકામો બદલ રાજ્ય સરકાર તથા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. તાલુકામાં સિંચાઈ સુવિધા અને માર્ગ-માળખાકીય વિકાસને વેગ આપવા માટે આ યોજનાઓ મહત્વપૂર્ણ બની રહેશે.
