ભરૂચ શહેરના વોર્ડ નંબર-9માં આવેલા બંબાખાના સર્કલનું રૂ. 22 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી તૈયાર થયેલા નવનિર્મિત સર્કલનું 22 ઓક્ટોબર, 2026ના રોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્કલ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
GFL કંપની દ્વારા સર્કલના આધુનિકીકરણ સાથે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નવીનીકરણ બાદ સર્કલને નવું સ્વરૂપ મળ્યું છે. લોકાર્પણ સમારોહમાં જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા અને GFLના રીજનલ HR હેડ ડૉ. સુનીલ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની રાષ્ટ્રભક્તિ, શૌર્ય અને ધર્મ પ્રત્યેની નિષ્ઠા સૌના માટે પ્રેરણારૂપ છે. તેમની પ્રતિમા આવનારી પેઢીઓને તેમના આદર્શો અને મૂલ્યોમાંથી પ્રેરણા આપશે. તેમણે આ કામગીરીમાં સહયોગ આપવા બદલ GFL કંપની તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચ શહેરમાં જાહેર સ્થળોના આધુનિકીકરણની દિશામાં બંબાખાના સર્કલનું નવીનીકરણ એક મહત્ત્વપૂર્ણ કામગીરી બની છે. પ્રતિમાના અનાવરણ સાથે આ સર્કલને ઐતિહાસિક મહત્ત્વ પણ પ્રાપ્ત થયું છે.
