ભરૂચ: દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગ કરી રહેલી દહેજ પોલીસને વડદલા ગામના મેહાલી ચોકડી નજીકથી દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે તેની પાસેથી તમંચો અને એક કારતૂસ મળી કુલ રૂ.10,100નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, દહેજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કોન્સ્ટેબલ ગૌતમને બાતમી મળી હતી કે મેહાલી ચોકડી નજીક એક શખ્સ પેન્ટના નેફામાં તમંચો રાખીને ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી વોચ ગોઠવી શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં આરોપીની ઓળખ ગૌતમ કુમાર તારકેશ્વર મંડલ (રહે. સેન્ટ્રોસા સોસાયટી-1, વડદલા, મૂળ ગામ સાધુઆ, ભાગલપુર, બિહાર) તરીકે થઈ હતી. તેની તલાશી લેતાં પેન્ટના જમણા નેફામાંથી રૂમાલમાં વીંટાળેલો દેશી બનાવટનો તમંચો અને એક કારતૂસ મળી આવ્યા હતા. તેની પાસે હથિયારનું કોઈ લાયસન્સ નહોતું.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ શોખ ખાતર પોતાના વતન બિહારથી તમંચો અને કારતૂસ લાવ્યો હોવાની કેફિયત આપી હતી. પોલીસે રૂ.10,000નો તમંચો અને રૂ.100ની કારતૂસ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
