ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં સુવા ગામમાં ખેતીની જમીનનું ખાનગી કંપનીઓ દ્વારા સંપાદન થતાં અહીંનાં બેરોજગાર યુવાનોને નોકરી મળે તે માટે આજે ભરૂચ કલેકટર કચેરી ખાતે કલેકટર સમક્ષ એક લેખિત આવેદનપત્ર પાઠવાવમાં આવ્યું છે.
આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસ અર્થે ભરૂચનાં વાગરા તાલુકાનાં સુવા ગામમાં જી.આઇ.ડી.સી. મારફતે ખાનગી કંપનીઓને ખેતીની જમીનો સંપાદન કરવામાં આવેલી હતી આ વિસ્તારનાં ખેડૂતોએ દેશનાં વિકાસની ભાવનાને અર્થે પોતાની ખેતીની જમીનો નજીવા વળતરમાં આપી દીધેલ જયારે આ ખેતીની જમીન સંપાદન થઈ ત્યારે ગામનાં ખેડૂતોને લોભામણી નોકરીની લાલચ આપવામાં આવી હતી જેમાં સર્વે નંબર દીઠ એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે, ઉપરાંત એક ખાતાદીઠ એક ઔદ્યોગિક પ્લોટ ફાળવવામાં આવશે. તેમજ આ વિસ્તારનાં ગામોને પાણી, રસ્તા, વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા જેવા વચનો વર્ષ 1993 ની સાલમાં આપવામાં આવ્યા હતા પરંતુ આજે અમારા ગામનાં ખેડૂતો બેકારીનો શિકાર બની ગયા છે તેમ છતાં લેન્ડ લુઝર એસોસિએશનનાં એકપણ વ્યક્તિને અહીંની કંપનીએ નોકરી આપી નથી.
જે-તે સમયે જમીન સંપાદન કરતી વખતે લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. ત્યારબાદ અહીં ઓ.એન.જી.સી. એડીશન્સ લિમિટેડ (ઓપાલ) કંપનીની સ્થાપનાનાં સમયે નોકરીની રજૂઆતો કરવામાં આવતા કંપનીનાં સત્તાવાળાઓએ માત્ર બાંહેધરી જ આપી સુવા ગામનાં યુવાનોને નોકરી ન આપી કંપની દ્વારા અમોને આપેલા કોઈ વચનો પૂર્ણ કરેલ નથી આથી આજે એમોએ લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે અમારા વિસ્તારનાં લેન્ડ લુઝરને અહીં રોજગારી પ્રાપ્ત થાય.