અત્યાર સુધી ૩૦ થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળ્યા છે અને ૩ કલસ્ટરના ગામોમાં માસ્ટર ટ્રેનર તરીકે સેવા આપી ખેડૂતોને તાલીમ આપી રહ્યા છે…
ગુજરાતભરમાં કુરિયરથી હોમ ડીલીવરી પૂરી પાડીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી પૂરવાર થઈ રહયા છે.
ભરૂચ
ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના અલાદર ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત જશવંતભાઈ છગનભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી અને તેની પધ્ધતીના માધ્યમથી પ્રાકૃતિક ખેતીમાં સહારનીય કામગીરી કરી છે. તેમની સફળતા માત્ર વ્યક્તિગત આર્થિક લાભ જ નહીં, પરંતુ પોતાના ગામથી ૨૫ કીમીની અંદરના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત છે.
પ્રાકૃતિક ખેતી કરતા અને BRC સંચાલક CRP જશવંતભાઈ પરમાર પોતાના ખેતરેખેતરે શ્રી હરસિધ્ધી ગૃપ નામથી બાયો ઈન્પુટ રિસોર્સ સેન્ટર પણ ધરાવે છે. તેઓ પોતાના ખેતર માટે તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ઉત્સુક ખેડૂત મિત્રો માટે જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક બનાવી સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે તેનું વેચાણ કરે છે. બાયો ઈનપુર્ટસમાંથી પણ હવે કમાણી થઈ રહી છે. આ પહેલથી તેમને આર્થિક મદદ મળે છે અને સાથે જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન મળે છે.
BRC સંચાલક અને CRP જસવંતભાઈ પરમાર પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડુતોને ૨૫ કિમી સુધી કોઈ એક્સ્ટ્રા ચાર્જ લીધા વિના જ પ્રાકૃતિક કૃષિ સંશાધનોની ડિલિવરી કરે છે. સાથોસાથ ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં કુરિયરથી હોમ ડીલીવરી પૂરી પાડીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી પૂરવાર થઈ રહયા છે.

તેમણે આનંદ સાથે જણાવ્યું કે, હવે ઈન્પુટ રિસોર્સ સેન્ટર થકી તેમને આર્થિક સહાય પ્રાપ્ત થાય છે અને અન્ય ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કર્યાનો આનંદ પણ મળી રહ્યો છે. ખારાશ વાળી જમીનમાં ખેતી કરતા જોઈને આ વિસ્તારના ૨ કલસ્ટ્રરના ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે.
જશવંતભાઈ પ્રાકૃતિક ખેતી માટે પોતાના વિચારો રજૂ કરતા કહ્યુ કે, પ્રાકૃતિક ખેતી માટેનો વિચાર અને પ્રેરણા તેઓને ૪ વર્ષ પહેલાં ભરૂચ આત્મા કચેરીની મુલાકાત દરમિયાન આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ સાથેના વાર્તાલાપથી વિગતો જાણવા મળી હતી કૃષિ મેળા અને અનેક સ્થળોના વર્કશોપમાં હાજરી આપી ટ્રેનિંગ લીધી હતી.
પ્રાકૃતિક કૃષિ ધણુ સાંભળ્યું , હવે શરૂઆત કરવી કે કેમ ? જો હું શરૂઆત કરું અને અસફળ થાઉં તો શું થશે, એમાં પણ વળી ખેત ઉત્પાદન ઓછું થયું તો ? અહીની જમીન તો ખારાશ વાળી ? વગેરે જેવા પ્રશ્નો વચ્ચે મનમાં કચવાટ સાથે અને આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે થઈને ૨૦૨૩ના અંતભાગમાં પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી.
પહેલા ખેતરની માટીના નમુનાની ચકાસણી કરાવી હતી અને તે મુજબ જમીનને તૈયાર કરી હતી. જમીનની તૈયારી માટે અંદાજિત થોડો ખર્ચ થયો ત્યારબાદ ખાનગી નર્સરીઓમાંથી જાંબુ, દાડમ નાળિયેરી, સીતાફળની કલમો અંદાજિત ૨૨,૦૦૦/- રૂપિયાની ખરીદી કરી હતી, ભરૂચ બાગાયત વિભાગમાંથી રૂપિયા ૧૦,૦૦૦/- ની આંબા વિગેરેની કલમોની ખરીદી કરી હતી. આ તમામ ફળપાકમાં પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી તમામ બાયો ઇનપુટ ઘરે જ બનાવ્યા અને તેનો વપરાશ કરીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. હવે, છેલ્લા બે વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરીને સારું ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે.
જશવંતભાઈના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે આંતરપાકમાં રીંગણ, તુવેર કાકડી જેવી શાકભાજીમાંથી અંદાજિત ૦૧ લાખનો ફાયદો થયો છે. જ્યારે બોર અને દાડમમાંથી ૫૦ હજાર જેવો ફાયદો જોવા મળ્યો હતો, પરંતુ આવનારા વર્ષમાં જામફળ, આંબા અને જાંબુના ઝાડ મોટા થશે એટલે તેના ઉત્પાદનનો વધારો પણ ઉમેરાતા અંદાજિત આવકમાં બે ઘણો વધારો થવાનો એમ ભારપૂર્વક જણાવ્યું હતું.
જશવંતભાઈ છગનભાઈ એ પોતાના ૧ હેક્ટર ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આજે તેઓ તેમના મુખ્ય પાકમાં દાડમ અને આંતરપાકમાં તુવેર, રીંગણ, કાકડી જેવા પાકો લઈ રહ્યા છે. આ ૧ હેક્ટરનાં ખેતરમાં તેઓશ્રી એ આંબા, જામફળ, જાંબુ અને નીલગીરી જેવા પાકોનું પણ વાવેતર કર્યું છે જે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મના કોન્સેપ્ટને પણ પરિપૂર્ણ કરે છે.
ખેડૂત જશવંતભાઈ પ્રાકૃતિક ખેતીનાં સિદ્ધાંતોને અપનાવીને બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર જેવા અન્ય પ્રાકૃતિક ઉપચારોનો ઉપયોગ કરી ખેતી કરી છે. તેમણે રાસાયણિક ખાતરોનો વપરાશ બંધ કર્યો છે, સાથે આચ્છાદન પદ્ધતિથી પાણીની પણ બચત કરી રહ્યા છે. આ પદ્ધતિથી ખારો પટ ધરાવતી માટીની ગુણવત્તા પણ સુધરી છે અને પાક ઉત્પાદનમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે.
જંબુસર તાલુકાના કલસ્ટરના ગામોમાં માસ્ટર ટ્રેનર તરીકે સેવા આપી હજારો પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપી રહ્યા છે. હવે આજ પ્રણ સાથે તેઓ ખેડુતોની આવકમાં વૃધ્ધિ થાય તે માટે શાકભાજી તેમજ બાગાયતી ખેતી સમુહમાં કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. જેના કારણે વાગરા તાલુકાના ખેડુતો પણ પ્રાકૃતિક ખેતી સાથે બાગાયતી પાકોની મોટાપાયે ખેતી કરવા લાગ્યાં છે.
આમ, સરકારની હકારાત્મક નીતિઓ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી પહેલોના કારણે ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તેઓ અન્ય ખેડૂતોને પણ અપીલ કરે છે કે ઓછા ખર્ચવાળી, જમીન અને આરોગ્ય માટે લાભદાયી એવી પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર બનવું જોઈએ.
ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની જાગૃતિ વધી રહી છે જે પર્યાવરણ અને આર્થિક રીતે લાભદાયી છે. પ્રાકૃતિક ખેતી થી ખેડૂતો માત્ર આવક વધારી શકે છે એટલી મર્યાદીત નહી પરંતુ જમીન અને પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકે છે.
