ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયત પર લોકોની મીટ મંડાઈ
ભરૂચ.
પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ભરૂચ વહીવટી તંત્ર સજજ બન્યુ છે. આજરોજ માલમતદાર કચેરીઓ ખાતેથી ચુંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. ગામ પંચાયતની ચુંટણીને લઈને ગામડાઓમાં ઉલ્લાસ દેખાય રહ્યો છે જો કે ભરૂચમાં ઝાડેશ્વર ગામ પંચાયતની ચુંટણી હાલમાં ચર્ચાનું કેન્દ્ર છે. ત્યારે ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં મતદાન કેવા પ્રકારનું થાય છે તેના પર લોકોની મીટ મંડાઈ છે.
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણીને લઈ વહીવટી તંત્ર સજજ બન્યુ છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચુંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જુનના રોજ કુલ ૬૭ ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે. જિલ્લામાંથી ૧૮ ગામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચુંટણી યોજાવવાની નથી. બાકીની ૬૭ પંચાયતોમાં મતદાન માટે ૧૭૪ મતદાન મથકો ગોઠવાયા છે. જયાં મતદારો સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ભરૂચ જિલ્લામાં આવેલ ૬૭ ગ્રામ પંચાયતોના ૨૮૭ વોર્ડની ચુંટણી પણ યોજાશે જેમાં ૧.૪૯ લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. જિલ્લાના કુલ ૧૭૪ મતદાન મથકો પૈકી ૨૦ મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો ૭૭ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ તરફ ૮૭૪ જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાશે મતદાન દરમ્યાન કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે ૯૯૫ પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે. ભરૂચ જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચુંટણી પુર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
