SIT ની ટીમ હજી વેરાવળમાં આરોપીઓની કચેરીઓમાં તપાસમાં
આરોપીઓના વધુ રિમાન્ડ મેળવવામાં આવે તેવી શકયતાઓ
ભરૂચ.
ભરૂચના મનરેગા કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ ગુરૂવારે પુર્ણ થઈ રહ્યા છે ત્યારે તેમને અદાલતમાં રજૂ કરવાની કવાયત પોલીસે શરૂ કરી છે. જુનાગઢ લોકસભાના કોગ્રેસના ઉમેદવાર હીરા જોટવા તેમના પુત્ર દિગ્વિજય સહિત મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સીઓની ઓફીસોમાં સીટની ટીમ દ્વારા હાલમાં ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આરોપીઓને આવતીકાલે ગુરૂવારે કોર્ટમાં રજૂ કરાઈ ત્યારે કયા કયા પાસાઓની રજુઆત કરવામાં આવશે તે જોવું રહ્યું.
ભરૂચ જિલ્લાના જંબુસર, હાંસોટ અને આમોદ તાલુકામાં વેરાવળની મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝ નામની બે એજન્સીઓએ મનરેગાના કામોમાં 7.30 કરોડની ખાયકી કરી છે જેમાં જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા તેમના પુત્ર દિગ્વિજય સહિત બન્ને એજન્સીઓના પ્રોપરાઈટર પિયુષ નુકાણી અને જોધા સભાડ ઉપરાંત હાંસોટ તાલુકા પંચાયતના ટેક્નીશ્યન રાજેશ ટેલર અને સમમ પ્રકરણમા મુખ્ય વહીવટદારની ભૂમિકા ભજવનાર સરમન સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. તમામ આરોપીઓના રિમાન્ડ ગુરુવારે પુર્ણ થઈ રહ્યા છે ત્યારે મનરેગા કૌભાંડમાં હવે કયુ નવુ માથુ સંકજામાં આવે તે તરફ લોકોની મીટ મંડાઈ રહી છે. તેમજ કયા કથા રાજકારણીઓ અંદર સંડોવાવેલા છે તે અંગે લોકોમાં હાલ કુતુહલતા છે. ત્યારે આરોપીઓને કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડ મેળવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ સીટની એક ટીમ હાલમાં જુનાગઢ ખાતે હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય તથા બંન્ને એજન્સીઓની મુખ્ય ઓફીસોમાં દસ્તાવેજી પુરાવા શોધવાની કવાયતમાં જોતરાયા છે. ત્યારે સીટની ટીમ તરફથી કોઈ ઈનપુટ મળે તો તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તપાસની દિશા નક્કી કરવામાં આવશે.
હીરા જોટવાએ છાતીમાં દુઃખાવાના કેફીયત કરી મનરેગાના ૭.૩૦ કરોડના કૌભાંડમાં મુખ્ય સુત્રધાર એવા હીરા જોટવાને ભરૂચ પોલીસે જુનાગઢથી ઝડપી પાડી ભરૂચ લાવ્યા બાદ તેમના રિમાન્ડ મેળવ્યા હતાં. ત્યારે હીરા જોટવા દરમ્યાન છાતીમાં દુ:ખાવો થતો હોવાની કેફિયત રજૂ કરતા પોલીસ તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી જે બાદ તેમને પુનઃ ભરૂચ પોલીસ સ્ટેશન લાવી પુછપરછનો દોર શરૂ રાખ્યો હતો. ત્યારે હીરા જોટવાને છાતીમાં દુઃખાવો થયાની વાત તથ્ય હતી કે તેઓ દ્વારા પોલીસ તપાસમાંથી છટકવા માટે બહાનુ કરવામાં આવ્યુ હતુ તે અંગે લોકોમાં તર્કવિતર્ક ચાલી રહ્યા છે.
