ભરૂચ
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીની બેઠક યોજાઈ હતી.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA- JGUA) શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન હેઠળ ભરૂચ જિલ્લાના આદિમજુથ સહિત તમામ આદિજાતિ લોકોને સરકારશ્રીની વિવિધ માળખાગત તથા વ્યક્તિગત યોજનાઓથી લાભાન્વીત કરવાનો લક્ષ્યાંક છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ વિવિધ અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો આપ્યા હતા.આ અભિયાનના સુચારૂ અમલીકરણ માટે જીલ્લાકક્ષાએ તેમજ તાલુકાકક્ષાએ નોડલ અધિકારીઓની નિમણુંક કરી કાર્યક્રમને આનુસંગિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે કહ્યુ હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ૧૫મી જુલાઈ-૨૦૨૫ સુધી આ અભિયાન થકી આદિવાસી વિસ્તારમાં ઝૂંબેશના ભાગરૂપે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધરતી આબા અભિયાન – જાગૃતિ અને લાભ વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
લોકોને વિવિધ યોજનાઓના લાભો અંગે જાગૃતિ લાવવા માટે તાલુકાઓમાં કલસ્ટર આધારિત ફાળવણી સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ કેમ્પમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ (PM-JAY), જાતિ/રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), પીએમ-કિસાન જનધન ખાતું,
વીમા કવર (PMJJBY/ PMSBY) વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ (મનરેગા, પીએમ વિશ્વકર્મા, મુદ્રા લોન) મહિલાઓ અને બાળકો માટે પીએમમેવાય, આંગણવાડી લાભ, આવાસ, રસ્તા, પીવાના પાણીની સુવિધા, વીજળીકરણ, આરોગ્ય, સેનીટેશન, પોષણ આજિવિકા જેવા સેકટરો તેમજ વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ મળી રહે તે માટે ખાસ ઝુંબેશ તથા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ધરતી આબા જન ઉત્કર્ષ અભિયાન એ ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વાકાંક્ષી પહેલ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારોમાં સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકામાં રહેલી
ખામીઓને દૂર કરીને સર્વગ્રાહી અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદાર , વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ, તેમજ મામલતદારઓ અને ટીડીઓ ઓનલાઈન જોડાયા હતા.
