જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના નિર્ણયને સહર્ષ વધાવતી ભરૂચ જિલ્લાની સરકારી કચેરીઓ
ભરૂચ
જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી અધિકારીઓની મિંટીંગ દરમ્યાન સામાજિક વનીકરણ વિભાગને માર્ગદર્શન આપતી વખતે સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના સહયોગથી ભરૂચ જિલ્લાની તમામ સરકારી કચેરીઓની ખાલી /પડતર જગ્યાઓમાં એક પેડ માઁ કે નામ ૨.૦ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવે તેવો વિચાર તેમણે રજૂ કર્યો હતો. જ્યાં વૃક્ષારોપણ બાદ રોપાની જાળવણી અને તેની માવજતની જવાબદારી જે તે કચેરીની રહેશે એમ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ કચેરીઓએ તેમના નિર્ણયને સહર્ષ વધાવી કચેરીઓમાં ખાલી સ્થળો ઉપર વૃક્ષો વાવવા માટે અને આ ઝુંબેશમાં સહભાગી બનતા આગામી તા.૧૨ જુલાઈ સુધી કામગીરી પુર્ણ કરવા સહમતી દર્શાવી હતી. આ ઝુંબેશમાં સહભાગી બનતા તમામ કચેરીઓ દ્નારા અંદાજિત ૧૦૦૦ જેટલા વૃક્ષો વાવીને રોપાની જાળવણી અને તેની માવજતની જવાબદારી લીધી છે.
વૃક્ષ આપણા જીવનનો આધાર છે, એની સુરક્ષા આપણું કર્તવ્ય છે અને પર્યાવરણ પ્રત્યેના સંબંધને વધુ ઘનિષ્ઠ બનાવી હરિયાળી લાવવાનો સંકલ્પ કરતા એક પેડ માઁ કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતના કંમ્પાઉન્ડ ખાતે જીલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે દ્નારા વૃક્ષોનું વાવેતર કરી અધિકારી/ કર્ચચારીઓને પ્રોત્સાહન પૂરુ પાડવા વૃક્ષારોપણ કર્યું હતું. ભરૂચની વિવિધ કચેરીઓ સરકારી કચેરીઓમાં આવેલી વધારાની જગ્યાઓમાં વૃક્ષારોપણ કરી રહી છે. અત્રે,ઉલ્લેખનિય છે કે, સામાજિક વનિકરણ રેન્જ હેઠળના વિસ્તારોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ સંદેશા સાથે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંર્તગત જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે જનભાગીદારી થકી રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જિલ્લો લીલી વનરાજીથી વધુ સમૃદ્ધ બને તે માટે વનવિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રયાસમાં જિલ્લાની તમામ કચેરીઓના અધકારીઓ અને કર્મયોગીઓ પણ સહભાગી બનતા તેમણે પોતાની કચેરીઓમાં વૃક્ષોનું વાવેતર કરી તેની જાળવણી માટે પ્રતિજ્ઞા લીધી હતી. વધુમાં, વન વિભાગ અને સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહકારથી આવા કાર્યક્રમો સ્થાયી પરિવર્તન લાવી શકશે તે નિશ્ચિત છે. સરકારી કચેરીઓ સુંદર અને રમણીય બને તેમજ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે હાથ ધરાયેલા આ અભિયાનમાં કચેરીઓના અધિકારીઓ અને કર્મયોગીઓ સહભાગી બન્યા છે.
