ભરૂચની ફિરદોશ પાર્ક સોસાયટીમાં ૩૦ જૂને ચોરી કરી હતી
। ભરૂચ ।
ભરૂચ શહેરના ફિરદોશ પાર્ક ખાતે એક મકાનનું તાળું તોડી ઘરમાંથી સોનાના ૪.૪૮ લાખના દાગીનાની ચોરી થઈ હતી. મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાનમાં એલસીબીની ટીમ દ્વારા પણ મામલામાં તપાસ શરૂ કરી હતી. ટીમે સ્થળ વિઝિટ કરવા સાથે હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓના પગેરૂ શોધવા માટેની કવાવત શરૂ કરી હતી. દરમિયાનમાં સીસીટીવી એનાલીસીસ કરતાં તેમાં એક કારમાં ત્રણ શખ્સોની અવર-જવરની માહિતી મળી હતી. જેના આધારે ટેક્નિકલ એનાલિસસ કરતાં ધરફોડ ચોરીમાં ઈરફાન અબ્દુલ ફોદા, સાહિદ ઉર્ફે બાટલો મોહંમદ જમાલ શેખ તેમજ મુન્નાવર મામજી હોવાનું માલુમ પડયું હતું. તેમજ તેમણે અગાઉ પણ ઘણી ચોરીઓ કરી હોવાની માહિતી મળી હતી.
અરસામાં એલસીબી પીએસઆઈ ડી. એ. તુવર તથા તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચના ફિરદોશ પાર્કમાં થયેલી ચોરીમાં સંડોવાયેલો સાહિદ ઉર્ફે બાટલો મોહંમદ જમાલ શેખ હાલમાં ગોધરા છે. જેથી એલસીબીની ટીમે ગોધરા પહોંચી હતી અને તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, દોઢેક મહિના પહેલાં મુન્નાવર મામજી તેની કાર લઈને તેના ઘરે આવ્યો હતો. અને ચોરી કરવા માટે સાથે આવવા જણાવ્યું હતું. તેને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેની સાથે કારમાં બેસી ગયો હતો. જયારે ઈરફાન ફોદા ગોધરા જકાત નાકા પાસેથી તેમની કારમાં બેઠા બાદ તેઓ ભરૂચ આવ્યાં હતાં. જે બાદ શહેરની સાંકળી બજારોમાં ફરી તેમણે એક મકાનને ટાર્ગેટ કરી તાળુ તોડી ચોરી કરી ગોધરા પરત ગયાં હતાં. ટીમે સાહિદ ઉર્ફે બાટલાને બી ડિવિઝન પોલીસને સોંપી તેના અન્ય બે સાગરિતોને શોધવાની કવાયત શરૂ કરી છે.
