ભરૂચ જિલ્લાના ૪૦૦૭ ખેડૂતો બન્યા સર્ટિફાઈડ, હવે વિદેશમાં પણ ગુંજશે પ્રાકૃતિક પાકની સુવાસ
ભરૂચ
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના અભિયાનના પ્રણેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને દિશાનિર્દેશન હેઠળ ગુજરાત રાજ્ય આજે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીને એક જન-આંદોલન બનાવ્યું છે. ખેતીના પ્રખર હિમાયતી તરીકે રાજ્યના ખૂણે-ખૂણે જઈ ખેડૂતોને ગાય આધારિત ખેતીના ફાયદા સમજાવી લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. બીજી તરફ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર આ અભિયાનને વહીવટી અને આર્થિક પીઠબળ પૂરું પાડી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે ખેતીના ઉત્પાદનની વિશ્વસનિયતા જાળવવા માટે GOPCA અને APEDA જેવી સંસ્થાઓમાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવી તેમને સહકારી મંડળીઓમાં જોડી તેમની સહભાગીદારીનું મોડલ હવે જિલ્લાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું રહ્યું છે, જ્યાં સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ સંસ્થાઓ અને ખેડૂત જૂથો ખભેખભા મિલાવીને રાસાયણિક મુક્ત ખેતીના મિશનને આગળ ધપાવી તેમાંથી ઉત્પાદીત થતા પાકોનો પોષણક્ષમ ઊંચા ભાવ મેળવી શકશે. એ જ મોડેલ હવે ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે આશિર્વાદરૂપ બનવા જઈ રહ્યુ છે.
જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં કૃષિ વિભાગ દ્નારા કૃષિ ઉત્કર્ષ પહેલ શરૂ કરાઈ હતી. જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે આ દિશામાં એક ક્રાંતિકારી ડગલું હતું. આ પહેલ જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સીએસઆર ફંડને NGO બોર્ડ ઓફ ઈન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ, ભરૂચ (BEST) સાથે અમલમાં મૂકવામાં આવી હતી. કૃષિ ઉત્કર્ષ પહેલ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો અને તેમના ઓર્ગેનિક ફાર્મિંગના ઉત્પાદનને પોષણસક્ષ ભાવ મેળવવામાં મદદરૂપ થવું તેમજ પ્રાકૃતિક ખેતીના પ્રમાણપત્રની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હતો.
જિલ્લાના ખેડૂતોને પ્રમાણપત્ર મેળવવા માટે કલસ્ટર અનુસાર ખેડૂતોના જૂથ બનાવી સર્ટીફીકેશન પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો હતો. પ્રથમ વર્ષ દરમિયાન ભરૂચ જિલ્લાના ૯ તાલુકામાં રચાયેલા કુલ ૧૩ જૂથોના ૪૦૦૭ ખેડૂતોને વર્ષ ૨૦૨૪માં ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટીફિકેશન એજન્સી, અમદાવાદ તરફથી SCOPE C1 સર્ટીફીકેશન આપવામાં આવ્યું હતું. કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને લગતાં પ્રયત્નો અને પ્રયાસોના પરિણામે જિલ્લાના ૪૦૦૭ જેટલાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન માટે GOPCA અને APEDAમાં સર્ટિફાઇડ બન્યા છે. આ પહેલના બીજા વર્ષમાં ભારત સરકારની APEDA સંસ્થા તરફથી અમલમાં રહેલા નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શનની નવી ૮ મી આવૃત્તિ મુજબ ફરજિયાત લીગલ એન્ટિટી હોવાની શરતને ધ્યાને લઈ ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓમાં કુલ ૧૩ સહકારી મંડળીઓની રચના કરવામાં આવી અને ગત ૧૭ મી ડિસેમ્બરે આ ૧૩ મંડળીઓના પ્રમુખો અને જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટીફિકેશન એજન્સી, અમદાવાદ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું છે. આ એમઓયુ થકી ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમનો પાક અને તેનું ઉત્પાદન હવે ભારત સહિત વિદેશમાં પણ ઓર્ગેનિકના લેબલ સાથે વેચાણ કરી શકશે.
ખેડૂતોની આવક બમણી થશે.... સર્ટીફીકેશન પ્રોગ્રામ થકી ખેડૂત સંગઠન સ્વરૂપે મંડળીઓ તરફથી તેમના પેદાશને ઉંચા ભાવમાં વેચાણ કરવાની સાથે દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવાની તક પણ ઉપલબ્ધ થશે, જેના કારણે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ખેડૂતોને મંડળીમાં જોડાવા માટે પોતાના ગામના ગ્રામસેવકનો સંપર્ક કરી શકશે.
