જામા મસ્જીદના વિવાદ વચ્ચે વધુ એક વિવાદનો મધપૂડો છંછેડાયો
। ભરૂચ ।
ભરૂચ જિલ્લાની જામા મસ્જિદને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરાઈ છે. દરમિયાનમાં બે દિવસ પહેલાં કેટલિંક મહિલાઓએ મસ્જીદ પરિસરમાં પૂજા કરતાં વિવાદ છંછેડાયો હતો. ઘટનાને પગલે એક તરફ મુસ્લીમ સમાજના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યાં શુક્રવારે રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના હિન્દુ આગેવાનોએ ખાસ પત્રકાર પરીષદ યોજી આગામી દિવસોમાં રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષાને લઈને પુરાતત્વ વિભાગ દ્વારા નિયમાનુસાર સંરક્ષણ કે સંચાલન કરી ન શકાતાં તે યોગ્ય રીતે થાય તેવી માંગ સાથે કલેક્ટર કચેરીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની ચીમકી તેમણે આપી છે.
ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદને લઈને છેલ્લાં કેટલાંય વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જુમ્મા મસ્જીદ જે સમળી વિહાર જૈન મંદિર તરીકે ઓળખાતી હતી એ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો હિન્દુ સંગઠનો કરી રહ્યાં છે. જોકે, તેને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરાતાં હાલમાં આ ઐતિહાસિક સ્થળ ભારત સરકારની માલિકીનું પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક છે. દરમિયાનમાં બે દિવસ પહેલાં સુરત સહિતના શહેરમાંથી આવેલી મહિલાઓએ જામા મસ્જીદમાં પુજાપાઠ કરતાં વિવાદ સર્જાયોહતો. વિવાદ વચ્ચે શુક્રવારે રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતીના પ્રતિનિધીઓ, સ્વામી મુક્તાનંદ, સુદર્શન નાગરાજ બાબા તેમજ ચક્રધર સ્વામી સંપ્રદાયના સંતોની ઉપસ્થિતીમાં નર્મદા એપાર્ટમેન્ટ નજીક આવેલાં સંકટમોચન હનુમાન મંદિર પાસે ખાસ પત્રકાર પરીષદ યોજી હતી.જેમાં સ્વામી મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, તેઓ દ્વારા બે મહિના સુધી અનશન પર ઉતર્યા બાદ પ્રશાસનને આપવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. જેના પગલે સમિતીના સભ્યોએ પુન: પ્રશાસન સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ભરૂચની રાષ્ટ્રીય ધરોહર લોકોને સાચી માહિતી પહોંચે તે માટે આગામી દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ તેના ભાગરુપે શહેરમાં વિવિધ મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરી લોકોમાં આ વિષયમાં માહિતી આપવામાં આવશે. ઉપરાતં આગામી એપ્રિલ મહિનાની ૫મી તારીખના સોમવારથી દર સોમવારે સાંજના ૪થી ૫ કલાક સુધી કલેક્ટર કચેરીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવા સહિતના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે.
