હાંસોટ:
દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત પાંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીની મતગણતરી હાંસોટ મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. ચૂંટણીમાં સહકાર પેનલે તમામ 16 બેઠકો પર વિજય મેળવી ક્લીન સ્વીપ કરતાં ફેક્ટરીમાં સહકાર પેનલનો દબદબો યથાવત્ રહ્યો છે.
પાંડવાઈ સુગરની કુલ 16 બેઠકો પૈકી 14 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે બાકી રહેલી બે બેઠકો માટે મતદાન યોજાયા બાદ સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી મતગણતરીમાં અનુસૂચિત જાતિ બેઠક પર સહકાર પેનલના નટવર વસાવા, જ્યારે કદરામા ઝોનની બેઠક પર વિનોદ પટેલનો વિજય થયો હતો.
બંને બેઠકો પર પણ સહકાર પેનલના ઉમેદવારોએ ભવ્ય જીત મેળવી હતી. મતદાનના આંકડા મુજબ બંને બેઠકોની ચૂંટણીમાં આશરે 85 ટકા મત સહકાર પેનલના ઉમેદવારોને મળ્યા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે તમામ 16 બેઠકો સહકાર પેનલના ફાળે જતાં ચૂંટણીનું પરિણામ એકતરફી રહ્યું હતું.
પરિણામ જાહેર થતાં જ સહકાર પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમર્થકોએ જીતની ઉજવણી કરી ડી.જે.ના તાલે વિજય સરઘસ કાઢ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. વિજય બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વ. ઠાકોરભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
