રાજ્યમાં ઘણા લાંબા સમયથી ડોક્ટર્સ દ્વારા ઉચ્ચ પગાર ધોરણ માટે માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે આખરે સરકારે ડોક્ટર્સને કેસ પાછા ખેંચવાની શરતે ઉચ્ચ પગાર ધોરણનો લાભ આપવાનું નક્કી કર્યું છે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગે ઠરાવ પર જાહેર કર્યો છે.
આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે કે, પાત્રતા ધરાવતા તજજ્ઞો સેવા વર્ગ-1 માં 8 વર્ષથી નિયમિત સેવા પૂરી પાડી હોય જે અન્ય શરતો પણ સંતોષતા હોય તેમને છઠ્ઠા પગારપંચ મુજબ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે 15,600-39,100 (ગ્રેડ પે 6600 રૂપિયા)માંથી 37,400-67,000 (ગ્રેડ પે 8700), સાતમા પગારપંચ મુજબ 67,700-2,08,700માંથી 1,23,100-2,15,900ના પગાર ધોરણનો લાભ આપવાનું નક્કી કર્યું છે. જે તબીબોએ કોર્ટ કેસ પાછા ખેંચવા માટે એફિડેવિટ કરેલી છે તેમને આ લાભ આપવામાં આવશે.
ત્યારે સરકાર દ્વારા તબીબી, GMERS, જાહેર આરોગ્ય, પરિવાર કલ્યાણ, દંત શિક્ષણ, તબીબી સેવાઓ વગેરેના એસોશિએશનના ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર સંયુક્ત ફોરમના પ્રશ્નોના નિરાકરણ માટે ગત ડિસેમ્બરમાં મંત્રીમંડળની પેટા સમિતિની રચના કરાઈ હતી. આ સમિતિએ ત્રણ અહેવાલ રજૂ કર્યા હતા. જેમાં તજજ્ઞ સેવા વર્ગ-1ને ટીકુ કમિશન અન્વયે મળવાપાત્ર ઉચ્ચ પગાર ધોરણ 6 વર્ષ આપવામાં આવે છે. તેના બદલે નિયમિત સેવાના 8 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમજ જે તબીબોએ હાઈકોર્ટમાં ઉચ્ચ પગાર બાબતે કોર્ટ કેસ કર્યા છે તેમને કેસ પરત ખેંચવાની શરતે ઉચ્ચતર પગાર ધોરણ તરીકે છઠ્ઠા પગાર પંચ મુજબ તથા સાતમા પગારપંચ મુજબ ગ્રેડ પેમાં વધારો અને પે મેટ્રિક્સ લેવલ-11 માંથી પે મેટ્રિક્સ લેવલ-13ના પગાર ધોરણનો લાભ આપવાની ભલામણ કરાઇ હતી. તે મુજબ મળવાપાત્ર એરિયર્સની રકમ ત્રણ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે.