દ્રૌપદી મુર્મુએ દેશના 15 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે સંસદના સેન્ટ્રલ હોલમાં દ્રૌપદી મુર્મુને પદના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને હરાવ્યા હતા. દ્રૌપદી મુર્મુ આઝાદી પછી જન્મ લેનાર પ્રથમ અને ઉચ્ચ પદ સંભાળનાર સૌથી યુવા રાષ્ટ્રપતિ છે. આ સાથે તેઓ રાષ્ટ્રપતિ બનનાર બીજી મહિલા અને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ પણ છે. મુર્મુએ પૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીનો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે નીલમ સંજીવ રેડ્ડીએ સત્તા સંભાળી ત્યારે તેમની ઉંમર 64 વર્ષ 2 મહિના 6 દિવસ હતી. દ્રૌપદી મુર્મુની ઉંમર પણ 64 વર્ષ છે, પરંતુ શપથના દિવસે એટલે કે આજે તેમની ઉંમર 64 વર્ષ, એક મહિના અને ચાર દિવસ છે. તેમણે કહ્યું કે હું ભાગ્યશાળી છુ કે મને આઝાદીના 75 માં વર્ષમાં સેવા કરવાનો મોકો મળ્યો છે. હું સ્વતંત્ર ભારતમાં જન્મેલ પ્રથમ રાષ્ટ્રપતિ છુ. દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. આ જવાબદારી મારા માટે બહુ મોટો લહાવો છે. સર્વોચ્ચ પદ આપવા બદલ આભાર.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યુ કે મેં જીવનની સફર ઓરિસ્સાના ગામડાથી શરૂ કરી છે. આ પોસ્ટ મારી સિદ્ધિ નથી પરંતુ દેશના ગરીબોની સિદ્ધિ છે. હું લોકશાહીની શક્તિથી અહીં પહોંચી છુ. હું ગર્વ અનુભવુ છુ. મારા માટે જનહિત સર્વોપરી છે. મારી પસંદગી પુરાવો છે કે આ દેશમાં ગરીબોનુ સપનુ પણ પૂરુ થઈ શકે છે. રાષ્ટ્રપતિ બનવુ એ મારી અંગત સિદ્ધિ નથી પરંતુ ગરીબોની સિદ્ધિ છે. રાષ્ટ્રપતિએ કહ્યુ કે 26 જુલાઈ કારગિલ વિજય દિવસ છે. આ દિવસ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીનુ પ્રતીક છે. હું કારગિલ દિવસ પર અગાઉથી મારી શુભેચ્છાઓ આપુ છુ. મુર્મુએ કહ્યુ કે મેં મારી જીવન યાત્રા ઓરિસ્સાના ગામમાંથી શરૂ કરી જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવવુ પણ એક સ્વપ્ન જેવુ હતુ. હું મારા ગામની કોલેજમાં જનારી પહેલી દીકરી બની. ગરીબના ઘરમાં જન્મેલી દીકરી ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચી શકે એ લોકશાહીની શક્તિ છે.