જંબુસર પંથકમાં છાસવારે નર્મદા નહેર તૂટવાના બનાવો બનતા હોય છે. જેને લઇ ધરતી પુત્રને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. આજરોજ કોરા કાવલી જતી માઈનોર નહેરમાં ગાબડું પડતા કાવલી નવીનગરી વિસ્તારમાં પાણી ફરી વળતા સ્થાનિકોને ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો નિહાળવા મળ્યા હતા.
નર્મદા નિગમ દ્વારા જંબુસર તાલુકામાં લેવલ વગર તકલાદી બાંધકામ સાથે નહેરો બનાવવામાં આવી છે. જેના પરીણામે અવારનવાર લીકેજ થવાના ગાબડા પડવાના બનાવો બનતા હોય છે. છતાંય નર્મદા નહેરના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી, મગણાદ ગામ પાસે બે દિવસ પહેલા જ નહેરમાં ગાબડું પડવાના સમાચારની શાહી હજી તો સુકાઈ નથી ત્યાં તો જંબુસર તાલુકાના કાવલી ગામે સારોદથી કોરા કાવલી જતી માઇનોર નહેરમાં ગાબડું પડતા ધરતીપુત્રોને ખેતરે જવાના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તથા નવીનગરી વિસ્તારમાં પાણી ભરાતા તળાવ જેવું ભાસી રહયુ હતુ. જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. નહેર વિભાગ અધિકારીઓની નિષ્કાળજીને લઈ ધરતી પુત્રને વારંવાર સહન કરવાનું આવે છે. જંબુસર પંથકમાં અવારનવાર નહેર તૂટવાના બનાવો બનતા હોય, ધરતીપુત્રની મહામૂલી ખેતીને નુકસાન થતું હોય, કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા નહેર અધિકારીઓ જાગે તેમ ધરતીપુત્રોએ લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
જંબુસરના કાવલી ગામે નર્મદા નિગમની નહેરમાં ગાબડું પડતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા.
Advertisement