નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. જેમાં શાસક પક્ષના નેતાઓ અને લીઝ ધારકોની મિલીભગતથી ગેરકાયદેસર પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં થતી હોવાથી સરકારી તિજોરી ઉપર વિપરીત અસર ઊભી થવા અંગે કમિશનર ડો. ધવલ પટેલને પ્રદેશ કોંગ્રેસના જનરલ સેકેટરી સંદીપ માંગરોલા દ્વારા પત્ર લખી રજુઆત કરવામાં આવી છે તેમજ જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે.
સંદીપ માંગરોલા એ લખેલ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે ભરૂચ અને વડોદરા જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં ઝનોર તેમજ અંગારેશ્વર તરફ અનેક વખત ગેરકાયદેસર રીતે લીઝ ધારકો દ્વારા રેતીનું ખનન કરવાની બાબતો ભૂતકાળમાં સામે આવી ચુકી છે, જે બાદ ખાણ અને ખનીજ વિભાગ રાજકીય દબાણના કારણે કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સાથે સાથે તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે સ્થાનિક ભાજપ ના નેતાઓની સાઠ ગાંઠના કારણે ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે, જેને પગલે સરકારી તિજોરીને મોટુ નુકશાન થઈ રહ્યું છે અને આ સ્થળે મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતું હોવાના આક્ષેપ કરી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.