ચાવજ રોડ પર વિડીયોકોન કંપનીમાં અવાવરૂ રોડ પર દારૂનો નાશ કરાયો
ભરૂચ.
ભરૂચના ચાવજ રોડ પર આવેલી વિડીયોકોન કંપનીના કંપાઉન્ડમાં અવાવરૂ રોડ પર ભરૂચ ડિવિઝનમાં આવતાં ૮ પોલીસ સ્ટેશનના ૨૫૫ કેસમાં ઝડપાયેલો ૧.૫૮ કરોડથી વધુની મત્તાની વિદેશીદારૂની નાની-મોટી ૪૫,૬૨૩ બોટલો પર ખુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં દારૂની બદીને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપ સતત દેશી-વિદેશીદારુના અડડાઓ પર રેડ પાડવા સાથે દારૂની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. દારૂના કેસમાં જપ્ત કરાયેલો વિદેશીદારૂનો જથ્થો ચોક્કસ સમયમર્યાદા નાશ કરવાનો હોય છે. જેથી ભરૂચ ડિવિઝનમાં આવેલાં પોલીસ સ્ટેશનો દ્વારા તેમના મુદામાલના નાશ માટે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે બુધવારે શહેરના ચાવજ જવાના રોડ પર વિડીયોકોન કંપનીના સંકુલમાં અવાવરૂ રોડ પર ભરૂચ ડિવિઝનના ૮ પોલીસ સ્ટેશનમાં વિદેશીદારૂનો વેપલો તેમજ હેરાફેરી સહિતના કુલ ૨૫૫ કેસમાં ઝડપાયેલાં ૧.૫૮ કરોડથી વધુની મત્તાની વિદેશીદારૂની ૪૫,૨૨૩ થી વધુ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. મામલતદાર માધવી મિસ્ત્રી, ભરૂચ ડિવાયએસપી સી. કે. પટેલ, આબકારી વિભાગના ઈન્ચાર્જ ડિવાયએસપી તેમજ ભરૂચ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ-પીએસઆઈ સહિતના અધિકારીઓ કર્મચારીઓ સહિતની હાજરીમાં વિદેશીદારૂની તમામ બોટલોને રોડ પર પહેલાં પાથરી દઈ બાદમાં તેના પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
આગ જેવી ઘટના ન બને માટે લાઈબંબા તૈનાત રાખ્યાં વિડિયોકોન કંપનીમાં દારૂની બોટલો પર બૂલડોઝર ફેરવવામાં આવી રહ્યું હતું તે વેળાં કાંચની બોટલ પર બુલડોઝર ચાલતી વેળાં સ્પાર્ક થવાથી તેમજ તેના કારણે આગ ભભુકી ઉઠવાની શક્યતાઓ હોય છે. જેના પગલે દારૂનો નાશ કરનાર કમિટીએ સ્થળ પર હાવર ફાયટરોની ટીમને પણ તૈનાત રાખી હતી. જેથી કે. કોઈ કારણસર આગ લાગે તો તેને તુરંત અંકુશમાં લાવી શકાય.
