ભરૂચ
ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી માટેનો Special intensive Revision(SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી માટેના SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અને બાકી રહી ગયેલા મતદારો સુધી છેલ્લા દિવસ સુધી એટલે કે તા.૧૧મી ડિસેમ્બર સુધીમાં જિલ્લાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ Special intensive Revision (SIR) કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના મતદારોને માહિતગાર અને મદદરૂપ થઈ શકે તે માટે આ બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરએ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. જેમાં આ કામગીરીમાં BLO અને BLA બંનેના સંકલનમાં રહી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ સહયોગ કરી હજી પણ બાકી રહી ગયેલા મતદારોને છેલ્લા દિવસે પણ શોધીને તેમને મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં સહભાગી બની જિલ્લાની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થાય, કોઈપણ મતદારનો યાદીમાં સમાવેશ થતાં રહી ન જાય, ખાસ કરીને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, વિવિધ હોદ્દેદારો, અગ્રણીઓના નામની પુનઃ ચકાસણી થઈ જાય અને ક્ષતિરહીત મતદાર યાદી તૈયાર થાય તે જોવા ઉપર જિલ્લા ચૂંટણી અધિકારીએ ખાસ ભાર મૂક્યો હતો. મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા જાળવવા તમામ મતદારોને સહકાર આપવા જણાવાયું છે. SIR અંતર્ગત ચાલતી કામગીરીમાં સક્રિય ભાગ લેવા જિલ્લામાં તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને પણ અપીલ કરી છે.
બેઠકમાં ઉપસ્થિત માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા હતા. અત્યાર સુધી થઈ રહેલી કામગીરી અંગેના જાત અનુભવો પણ તેઓએ રજૂ કર્યા હતા. હજી પણ જે મતદારો મળી નથી આવ્યા અને ફિલ્ડમાં રહેલા ફોર્મ મળ્યા નથી તે ઝડપભેર પરત મેળવી તેમનું યોગ્ય રીતે મેપિંગ થાય તે માટે સૌને અપીલ પણ કરી હતી.
ભરૂચ જિલ્લામાં મતદાર યાદી અંગે Special Intensive Revision (SIR) હેઠળની કામગીરી અંતર્ગત જિલ્લામાં કુલ ૧૩,૧૦,૬૦૦ મતદારો નોંધાયેલા છે. સમગ્ર જિલ્લામાં દરેક બુથ પર 01 (એક) બુથ લેવલ ઓફિસર (BLO) અને BLA-૨ ની નિમણૂંક કરી કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના કુલ ૧૩૪૨ BLO દ્વારા આ સમગ્ર અભિયાન દરમિયાન દરેક મતદારોના ઘરે-ઘરે જઈને એન્યુમરેશન (EF) ફોર્મ-2 ભરવાનું તથા માહિતીનું ચકાસણી બાદ તેનું ઓનલાઈન વેરિફિકેશન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મેગા કલેક્શન કેમ્પ પણ યોજાયા હતા. BLO APP મારફતે ડિજિટાઈઝેશન પ્રક્રિયા ૯૯.૯૬ ટકા આજદિન સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે તા. ૧૧ મી ડિસેમ્બર છેલ્લો દિવસ હોય કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થાય તે માટેના પગલાં લેવાઈ રહ્યાં છે.
મતદારોની સુવિધા માટે જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. જેમાં મતદારો પોતાની વિગતો અંગે પોતાના બુથ લેવલ ઓફિસર (BLO) નો સીધો સંપર્ક કરી શકે છે. જે મતદારોને ૨૦૦૨ ની મતદારયાદીમાંથી નામ શોધવામાં અગવડતા પડતી હોય તેઓને નીચે મુજબની વેબસાઈટ પરથી નામ શોધી Enumeration Form (મતગણતરી ફોર્મ) ભરી પરત કરવા અપીલ છે.
- https://voters.eci.gov.in – અગાઉના એસ. આઈ. આર. રેકોર્ડમાંથી ભારતના કોઈપણ રાજ્યમાંની મતદારયાદીમાંથી નામ શોધવા માટે.
- https://chunavsetu-search.gujarat.gov.in : અગાઉના એસ. આઈ. આર. રેકોર્ડમાંથી ગુજરાતના કોઈ પણ જિલ્લામાંની મતદારયાદીમાં ગુજરાતીમાં નામ સર્ચ કરી નામ શોધવા માટે.
કોઈપણ પ્રશ્ન માટે ટોલ ફ્રી મતદાર હેલ્પલાઇન નંબર-1950 પર કોલ કરીને માહિતી મેળવી શકે છે.
આ બેઠકમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
