ભરૂચ જિલ્લામાં મહિલાઓને કૌશલ્ય વિકાસ અને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા બાગાયત ખાતા દ્વારા વર્ષ 2026-27 માટે ‘કેનીંગ અને કિચન ગાર્ડન યોજના’ જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ મહિલા તાલીમાર્થીઓને તાલીમ સાથે વૃતિકા (સ્ટાઈપેન્ડ) આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી વિવિધ ઉત્પાદનો બનાવવાની તાલીમ આપવામાં આવશે. જેમાં જામ, જેલી, કેચપ, માર્મલેડ, નેક્ટર, અથાણાં અને મુરબ્બા બનાવવાની થિયરી તથા પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ થાય છે.
રસ ધરાવતી મહિલાઓએ ‘આઈ-ખેડૂત પોર્ટલ 2.0’ પર તા. 27 માર્ચથી 26 એપ્રિલ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લઈ સહી કરવી ફરજિયાત રહેશે.
તાલીમ દરમ્યાન ઉમેદવારોએ અરજી સાથે આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક, રેશન કાર્ડ તથા લાગુ પડતા હોય તો જાતિનો દાખલો રજૂ કરવો રહેશે.
આ તાલીમ 2 દિવસ અને 5 દિવસની રહેશે. તાલીમમાં ભાગ લેનાર મહિલાઓને સરકારશ્રીની જોગવાઈ મુજબ પ્રતિદિન રૂ. 250 મુજબ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સોન તલાવડી (ગુજરાત ગેસ સામે), ભોલાવ, ભરૂચ ખાતે સંપર્ક કરી શકાય છે અથવા ફોન નં. 02642 263850 પર માહિતી મેળવી શકાય છે.
આ યોજના મહિલાઓને સ્વરોજગાર તરફ આગળ વધારવા માટે સારો અવસર સાબિત થશે.
