ભરૂચ જિલ્લાના ગુંદેચા ગામમાં પરિવાર વિવાદના એક સંવેદનશીલ મામલે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે અસરકારક કામગીરી કરીને પીડિત મહિલાને ન્યાય અને સહારો આપ્યો હતો. પતિના ગેરવર્તન, પરસ્ત્રી સંબંધ અને ઘરેલુ હિંસાથી કંટાળેલી મહિલાએ અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
મહિલાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે તેમના પતિનો અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ છે, તેમજ તેઓ ઘરના ખર્ચ માટે યોગ્ય મદદ કરતા નથી. ઉપરાંત નશો કરીને અપશબ્દો બોલી મારઝુડ કરતા હોવાને કારણે પરિવારનું વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું.
માહિતી મળતા જ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતાને બે સંતાનો છે, જેમાંથી એક દીકરી માનસિક રીતે અશક્ત છે. અગાઉ અકસ્માતમાં પગમાં ફ્રેક્ચર થવાથી મહિલા પોતે પણ શારીરિક રીતે નબળી સ્થિતિમાં છે.
પીડિતાના જણાવ્યા મુજબ પતિ વારંવાર અન્ય મહિલાના ઘરે જતા રહેતા હતા અને તે મહિલા પણ તેમના ઘરે આવતી હતી. વિરોધ છતાં પતિ કોઈ સુધારો કરતા ન હતા અને સતત ઝઘડા કરતા હતા. ઘરખર્ચની જવાબદારી મોટાભાગે દીકરાએ મજૂરી કામ કરીને સંભાળી રહી હતી. સાથે જ સાસુ દ્વારા પણ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
અભયમ ટીમે પતિનું કાઉન્સેલિંગ કરતાં તેમણે અન્ય મહિલા સાથેના સંબંધની સ્વીકારોક્તિ કરી હતી. ત્યારબાદ સંબંધિત મહિલાનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને બંનેને તેમના વર્તનથી પરિવારો તથા બાળકો પર પડતી નકારાત્મક અસર અંગે સમજાવવામાં આવ્યું. સાથે જ કાયદાકીય પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
સમજાવટ બાદ સંબંધિત મહિલાએ આ સંબંધ પૂર્ણ કરવા સંમતિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ પતિ અને મહિલાએ લેખિતમાં ખાતરી આપી કે તેઓ ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો સંપર્ક રાખશે નહીં.
અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી પીડિતાની માફી માગી અને ભવિષ્યમાં સુધરવાનું વચન આપ્યું. આ રીતે અભયમ ટીમના સમયસર હસ્તક્ષેપ અને અસરકારક કાઉન્સેલિંગથી પરિવાર વિવાદનું સુખદ સમાધાન થયું હતું. પીડિતાએ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
