ભરૂચ:
ભરૂચ તાલુકાના તવરા અને નવા તવરા ગામના ગ્રામજનોએ મોજે તવરા ગામના રેવન્યુ સર્વે નં. 118 પૈકીની જમીન બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા સહિત અન્ય સંસ્થાઓને રી-ગ્રાન્ટ ન કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. ગ્રામજનોએ આ જમીન સરકારી હસ્તક રાખી ગામના જાહેર અને સામુહિક હેતુઓ માટે અનામત રાખવાની માંગ કરી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, સર્વે નં. 118 પૈકીની જમીન અગાઉ શરતભંગના કારણે તા. 27 ઓગસ્ટ 2005ના કલેક્ટરના હુકમથી ખાલસા કરી સરકાર હસ્તક દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થા દ્વારા કરાયેલી રિવિઝન અરજી પણ મહેસૂલ વિભાગ, અમદાવાદ દ્વારા તા. 30 જાન્યુઆરી 2016ના રોજ નામંજૂર કરવામાં આવી હતી અને કલેક્ટરનો અગાઉનો હુકમ યથાવત રાખવામાં આવ્યો હતો.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે જમીન સરકાર હસ્તક થયા બાદ પણ મહેસૂલી રેકોર્ડમાં સંસ્થાનું નામ હજુ કમી થયું નથી. ઉપરાંત ટી.પી. સ્કીમમાં આ જમીન પ્લોટ નં. 13 તરીકે દર્શાવવામાં આવી છે, જેને ગ્રામજનોએ શરતચૂક ગણાવી આ નોંધમાં જરૂરી સુધારો કરવાની માંગ કરી છે.
જૂના તવરા અને નવા તવરા ગામની કુલ વસ્તી અંદાજે 10,700 જેટલી હોવાનું જણાવી ગ્રામજનોએ જણાવ્યું કે ગામમાં ઘરવિહોણા લોકોને ઘરથાળ પ્લોટ, બાળકો માટે રમતગમતનું મેદાન, લાઇબ્રેરી, આગણવાડી, નવું પંચાયત ઘર, કોમ્યુનિટી હોલ, પીવાના પાણીની સુવિધા તેમજ વરસાદી પાણીના સમયે પશુઓ માટે જગ્યા સહિતની અનેક જાહેર સુવિધાઓ માટે જમીનની જરૂરિયાત છે.
આથી સંસ્થાને જમીન રી-ગ્રાન્ટ ન કરી, રેકોર્ડમાંથી સંસ્થાનું નામ કમી કરી જમીન ગામના જાહેર હિત માટે અનામત રાખવા ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ માંગ કરી છે. રજૂઆતની નકલો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાગરા વિધાનસભાના ધારાસભ્ય સહિત સંબંધિત અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.
