ભરૂચ :
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે વૈદિક વિધિ-વિધાન સાથે ‘રુદ્ર પૂજા’નું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડના નેતૃત્વમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
આર્ટ ઓફ લિવિંગ વૈદિક ધર્મ સંસ્થાન, ભરૂચના કો-ઓર્ડીનેટર શ્રીમતી સંગીતા શુક્લાના સહયોગથી પંડિતજી તથા સ્વામીજી દ્વારા સંપૂર્ણ વૈદિક વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે રુદ્ર પૂજા સંપન્ન કરવામાં આવી હતી. પૂજા દરમિયાન કરવામાં આવેલા પવિત્ર મંત્રોચ્ચારથી જેલ પરિસરમાં આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ જેલ પરિસરમાં સકારાત્મક અને પવિત્ર વાતાવરણનું નિર્માણ કરવા ઉપરાંત બંદીવાનોમાં હકારાત્મક અભિગમ, આત્મશાંતિ, આત્મવિશ્વાસ તથા માનવીય મૂલ્યોનું જતન અને ઉત્થાન થાય તેવો હતો.
આ ધાર્મિક-આધ્યાત્મિક કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા જેલના બંદીવાનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રુદ્ર પૂજા દરમિયાન સમગ્ર જેલ પરિસરમાં ભક્તિભાવ અને શાંતિનો માહોલ છવાયો હતો.
જેલ વહીવટીતંત્ર દ્વારા બંદીવાનોના માનસિક અને સામાજિક પુનર્વસનના હેતુથી સમયાંતરે વિવિધ આધ્યાત્મિક તથા સુધારાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આવા કાર્યક્રમો દ્વારા બંદીવાનોમાં સકારાત્મક વિચારો, આત્મવિશ્વાસ અને માનવીય સંવેદનાઓ વિકસે તે દિશામાં જેલ તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
