ભરૂચ જિલ્લામાં રહેતી એક પરણિત મહિલાને તેના પતિના શંકાશીલ સ્વભાવ, માનસિક ત્રાસ અને અયોગ્ય વર્તનથી લાંબા સમયથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિસ્થિતિ અસહ્ય બનતા મહિલાએ પોતાની તથા પોતાના બે સંતાનોની સુરક્ષા અને ભવિષ્યને ધ્યાનમાં રાખી 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરી મદદ માંગી હતી.
માહિતી મળતા જ ભરૂચની 181 અભયમ ટીમ તાત્કાલિક મહિલાએ જણાવેલા સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે પીડિતાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તે ઘરકામ કરીને પરિવારનું સંચાલન કરે છે અને તેને બે સંતાનો છે. તેના પતિ અવારનવાર તેના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી અન્ય પુરુષ સાથે સંબંધ હોવાના ખોટા આક્ષેપો કરતા હતા. એટલું જ નહીં, અપશબ્દો બોલવા, અપમાનિત કરવા તેમજ કેફી દ્રવ્યોના સેવન બાદ ઉશ્કેરાઈ જઈ મારપીટ કરવી અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપવી જેવી ઘટનાઓ વારંવાર બનતી હતી.
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તેના પતિ પોતે અન્ય એક મહિલા સાથે સંબંધમાં હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ઘરમાં સતત વિવાદનું વાતાવરણ રહેતું હતું. પતિના ખોટા આરોપો, શંકાશીલ વર્તન અને માનસિક દબાણના કારણે મહિલા ભારે વ્યથિત બની ગઈ હતી. છતાં પોતાના સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેણીએ પરિવાર તૂટે નહીં તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
181 અભયમ ટીમે બંને પક્ષોની વાત ધીરજપૂર્વક સાંભળી પતિનું વિસ્તૃત કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમ દ્વારા પતિને સમજાવવામાં આવ્યું કે શંકા, અપમાનજનક ભાષા, હિંસક વર્તન અને કેફી દ્રવ્યોનું સેવન માત્ર દામ્પત્ય જીવન જ નહીં પરંતુ સંતાનોના માનસિક વિકાસ પર પણ ગંભીર અસર કરે છે. પતિને પત્ની પ્રત્યે સન્માનપૂર્ણ વર્તન રાખવા, પરિવારની જવાબદારી સમજવા અને સંતાનોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથે જ સંબંધિત મહિલાને પણ સમજાવવામાં આવ્યું કે અન્યના પરિવારિક જીવનમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન સર્જાય તે માટે યોગ્ય અંતર જાળવવું જરૂરી છે અને પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીઓનું પાલન કરવું જોઈએ.
અભયમ ટીમના સતત પ્રયાસો, સમયસર હસ્તક્ષેપ અને અસરકારક કાઉન્સેલિંગના પરિણામે બંને પક્ષો વચ્ચે અંતે સમાધાન થયું હતું. પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની સમક્ષ લેખિત માફી માગી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી નહીં બને તેવી ખાતરી આપી હતી. સંબંધિત મહિલાએ પણ લેખિતમાં ખાતરી આપી હતી કે હવે પછી પીડિતાના પરિવારિક જીવનમાં કોઈ પ્રકારનો વિક્ષેપ કરશે નહીં.
આ રીતે 181 અભયમ ટીમે સમયસર હસ્તક્ષેપ, સંવેદનશીલ કાઉન્સેલિંગ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા એક પરિવારને વિખેરાતો અટકાવી સફળતા મેળવી હતી. પીડિતાએ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
