ભરૂચ એડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં ભરૂચ સિવિલ હોસ્પિટલની બહાર રોડ પર એક ઈકો મોડલની એમ્બ્યુલન્સ ઉભેલી જણાઈ હતી. તેની પાછળની સાઈડમાં કોઈ નંબર પ્લેટ જણાઈ ન હતી. જયારે આગળની નંબર પ્લેટ પર જીજે-૧૬-એવી-૪૪૮૨ નંબર જણાયો હતો. ટીમે તેના ચાલકને બોલાવતાં તેણે તેનું નામ મહમંદતારીક આલ્તાફ પઠાણ (રહે. સર્વર પાર્ક સોસાયટી, લુકમાન પાર્કની બાજુમાં, જંબુસર બાયપાસ) હોવાનું તેમજ તે જ ગાડીનો માલિક હોવાનું માલુમ પડયું હતુ. ટીમે તેમની પાસેથી આરટીઓના દસ્તાવેજ માંગતાં તેણે તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું.
જેથી ટીમે ઈ-ગુજકોપ એપ્લિકેશનમાં ગાડીના નંબરના આધારે તપાસ કરતાં તે ગાડી તેના નામે જ હોવાનું જણાયું હતું. જોકે, એન્જીન ચેચિસ નંબર અલગ જણાતાં તેમણે એન્જીન ચેચિસના નંબરના આધારે પુન: ઈ-ગુજકોષ એપ્લિકેશનમાં તપાસ કરતાં તે ગાડીના માલિકનું નામ અઝીઝમોહમંદ દિવાન મુબારક (રહે. ફકીરાવાડ, ટંકારિયા) હોવાનું જણાયું હતું. જેના પગલે ટીમે તેની ઉલટપુછપછર કરતાં તેણે પડી ભાંગી કબુલાત કરી હતી કે, તેની અસલ આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૦-એવી-૪૪૮૨ વાળી ઈકો ઝયડિયા જીઆઈડીસીની એક્યુમ કેમિકલ્સ પા. લી. કંપનીમાં ભાડેથી રાખી છે. જે બાદ તેમણે આઠેક મહિના પહેલાં અઝીઝમોહંમદ મુબારક દિવાન પાસેથી બેઠી લોને તેની કાર વેચાડે લીધી હતી.જેના હપ્તા તે ભરે છે.
ગાડીને એમ્બ્યુલન્સમાં ફેરવવાની હોઈ તેને કોમર્શિયલ પાસિંગ કરાવવા માટે ૩૦ હજાર નો આરટીઓનો વીમા સાથેનો ખર્ચ થતો હતો. જેમાંથી બચવા માટે તેણે તેની કંપનીમાં ચાલતી કારનો નંબર એમ્બ્યુલન્સ પર લગાવી કોઈને ખબર ન પડે તે રીતે તે ફેરવતો હતો. ઘટનાને પગલે તેમણે તુરંત એક્શમાં આવી કાર માલિક મહંમદતારીક અલ્તાફ પઠાણ વિરુદ્ધ એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
