ભરૂચ:
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યવ્યાપી “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરી બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલો વધુ એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેની શોધખોળ ચાલુ છે.
પોલીસે એઝાઝ ઉર્ફે અલ્તાફખાન ઉર્ફે રોનક પઠાણ (રહે. મોનાપાર્ક, બાયપાસ રોડ, ભરૂચ) તથા અફવાન ઉસ્માન કાની (રહે. મદિના પાર્ક, શેરપુરા રોડ, ભરૂચ)ને ઝડપી પાડ્યા છે.
તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા. સાથે જ અગાઉથી ખરીદેલા મોબાઈલ સિમકાર્ડ આ ખાતાઓ સાથે લિંક કરી સાયબર ઠગાઈથી મેળવેલા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી.
સાયબર ક્રાઇમ પોલીસના પ્રાથમિક અનુસંધાન મુજબ, આવા “મ્યુલ એકાઉન્ટ” નો ઉપયોગ ઓનલાઈન ઠગાઈથી મેળવાયેલા નાણાંને અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી ગુનાના નાણાંના મૂળ સ્ત્રોતને છુપાવવા માટે થતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરતાં જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું, ડેબિટ કાર્ડ, ચેકબુક અથવા મોબાઈલ સિમ અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિને ઉપયોગ માટે આપવું નહીં. પૈસાની લાલચમાં પોતાના દસ્તાવેજો કે બેંકિંગ વિગતો શેર કરવી જોખમી સાબિત થઈ શકે છે.
સાયબર ક્રાઇમ પોલીસે વધુમાં જણાવ્યું કે સાયબર ગુનાનો ભોગ બનનાર અથવા શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ અંગે જાણ થતાં જ 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવો જરૂરી છે.
