ભરૂચ શહેરના જ્યોતિનગર ત્રણ રસ્તા પાસે આવેલી અમિ લેબોરેટરી સામે પાર્ક કરાયેલ એક્ટિવા મોપેડની ચોરીનો ભેદ ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત સીસીટીવી કેમેરા અને સર્વેલન્સ ટીમની મદદથી પોલીસે ચોરાયેલું એક્ટિવા તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 45 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, સોન તળાવડી ઝૂંપડપટ્ટી વિસ્તારના વિજયભાઈ પુનમભાઈ વસાવાએ 18 જૂને તેમનું એક્ટિવા મોપેડ (નંબર GJ-16-DN-9346) ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી.
વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરામાંથી મળેલા ફૂટેજ અને બાતમીદારોની માહિતીના આધારે પોલીસે શીતલ સર્કલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક્ટિવા ચાલકને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. વાહનના દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહેતા ઇ-ગુજકોપમાં તપાસ કરતાં મોપેડ ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું.
કડક પૂછપરછ દરમિયાન આરોપી મહેશભાઈ પટેલ (રહે. ધોળીકુઈ, ભરૂચ)એ જ્યોતિનગર વિસ્તારમાંથી એક્ટિવાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી રૂ. 40 હજારની કિંમતનું ચોરાયેલું એક્ટિવા અને રૂ. 5 હજારનો ઓપો કંપનીનો મોબાઈલ મળી કુલ રૂ. 45 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીથી વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત સીસીટીવી નેટવર્ક અને પોલીસની ઝડપી સર્વેલન્સ વ્યવસ્થા મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવામાં અસરકારક સાબિત થઈ હોવાનું ફરી એકવાર સ્પષ્ટ થયું છે.
