અંકલેશ્વરમાં શ્રાવણી ઉલ્લાસ: પંચાટી બજારના પ્રાચીન રાધા-વલ્લભ મંદિરમાં સૂકા મેવાના અલૌકિક હિંડોળા મનોરથ
અંકલેશ્વર: અંકલેશ્વરના ઐતિહાસિક પંચાટી બજાર સ્થિત પ્રાચીન શ્રી રાધા-વલ્લભ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે સૂકા મેવાના અલૌકિક હિંડોળા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહી શ્રીજીના રમણીય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રાવણ માસ દરમિયાન યોજાતા હિંડોળા ઉત્સવનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. પૌરાણિક માન્યતા મુજબ વ્રજધામમાં પ્રભુ શ્રી ગિરિરાજજીની કંદરામાં શ્રી સ્વામિનીજી સહિત પ્રભુ પ્રેમપૂર્વક ઝૂલ્યા હતા. આ પવિત્ર પ્રસંગની સ્મૃતિને જીવંત રાખવા શ્રાવણ માસ દરમિયાન વિવિધ મંદિરો અને હવેલીઓમાં વિશિષ્ટ હિંડોળા મનોરથો યોજાય છે.
રાધા-વલ્લભ મંદિરમાં પણ પ્રાચીન પરંપરા મુજબ શ્રીજીને વિવિધ પ્રકારના હિંડોળામાં ઝુલાવવાની સેવા કરવામાં આવે છે. આ સાથે અષ્ટસખાના કીર્તન ગાયનની પરંપરા પણ વર્ષોથી જળવાઈ રહી છે.
હિંડોળા ભરવાની તથા અષ્ટસખાના કીર્તન ગાવાની આ સેવા દાદાજી સ્વ. રજનીકાંત હીરાલાલ દેસાઈના સમયથી ચાલી આવે છે. તેમના પૌત્ર શ્રી કરણ શીતલકુમાર દેસાઈ તેમજ પરિવારજનો દક્ષાબેન દેસાઈ, પલક દેસાઈ અને દર્શિતા દેસાઈ દ્વારા આ પ્રાચીન પરંપરાને આજે પણ ભાવપૂર્વક અને શ્રદ્ધાથી જાળવી રાખવામાં આવી રહી છે.
સૂકા મેવા સહિતની વિશિષ્ટ સજાવટથી તૈયાર કરાયેલા હિંડોળાના દર્શને ભક્તોમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ અને અષ્ટસખાના કીર્તનથી ગુંજી ઉઠ્યું હતું.
