ભરૂચ :
ભરૂચના મક્તમપુર ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં શાકભાજીના ટેમ્પોના કારણે ઈલેક્ટ્રીક વાયર તૂટી જવાની નજીવી બાબતે બે પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. બંને પક્ષે એકબીજા વિરુદ્ધ મારામારી, અપશબ્દો અને ધમકી આપવાના આક્ષેપો સાથે પોલીસમાં અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, મક્તમપુરના પોસ્ટ ઓફિસ ફળિયામાં રહેતા મહેશ સોમા પટેલ સાંજના સમયે પોતાના મકાનના ધાબા પર પાણીની ટાંકી જોવા ગયા હતા. તે દરમિયાન તેમના વેવાઈ સંજય પટેલ, જેઓ તેમના ઘરની સામે રહે છે, તેમના પુત્ર કિરણને ડીજેના ટેમ્પા પર પાઈપ કટિંગનું કામ કરતો જોયો હતો. કિરણે પોતાના ઘરમાંથી ઈલેક્ટ્રીક વાયર લંબાવી ટેમ્પા સુધી લઈ ગયો હતો.
આ દરમિયાન પાછળના મોદી ફળિયામાં રહેતા હરેશ કનુ પટેલ શાકભાજીનો ટેમ્પો લઈને ત્યાંથી પસાર થતાં કિરણ દ્વારા લંબાવવામાં આવેલો ઈલેક્ટ્રીક વાયર તૂટી ગયો હતો. આ બાબતે કિરણે હરેશને વાયર કેમ તોડ્યો તે અંગે પૂછતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આક્ષેપ મુજબ હરેશે અપશબ્દો બોલી ત્યાંથી જતો રહ્યો હતો.
ત્યારબાદ હરેશ કનુ પટેલ સાથે કાંતિ પટેલ, સંગીતા અશ્વિન પટેલ અને ટીનુ કાંતિ પટેલ સહિતના લોકો કિરણ સાથે ઝઘડો કરવા આવ્યા હતા અને ધમકી આપી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. બનાવને પગલે મહેશ પટેલે 112 પર ફોન કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષને સી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આ અંગે અરજી આપવામાં આવી હતી.
બીજી તરફ સંધ્યા જિજ્ઞેશ પટેલે પણ આક્ષેપ કર્યો હતો કે, રક્ષાબંધનના દિવસે તે પોતાના પિતા સંજય પટેલના ઘરે રોકાઈ હતી. ત્યારે તેના ભાઈ કિરણ સાથે હરેશ પટેલ અને તેના સાથીઓએ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરવા જતાં તે બાળકો સાથે ઘરે હતી.
તે દરમિયાન હરેશ કનુ પટેલ, કેપુર કાંતિ પટેલ, કરજણ પ્રવીણ પટેલ તેમજ ઉત્સવ ઉર્ફે વિનય કનુ પટેલ લાકડાના સપાટા લઈને તેના ભાઈ અને પતિને મારવા માટે દોડી આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેઓ ઘરમાં દોડી આવતા દરવાજો બંધ કરી દેતાં બહારથી અપશબ્દો બોલી દરવાજા તેમજ ઈલેક્ટ્રીક બોર્ડને નુકસાન પહોંચાડ્યું હતું અને ધમકી આપી જતા રહ્યા હોવાનો આક્ષેપ છે.
બનાવને પગલે બંને પક્ષની અરજીઓના આધારે સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
