અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા ગુંજ પેટ્રોલ પમ્પ નજીક ચરતા બકરાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે પશુચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.4.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતાં લખીબેન મંગાભાઈ દેવીપૂજક ચાર બકરા ચરાવવા માટે ગુંજ પેટ્રોલ પમ્પ નજીકની ખુલ્લી જગ્યામાં ગયા હતા. બકરાઓને ચરતા મૂકીને તેઓ જમવા માટે ઘરે પરત ફર્યા હતા. આ તકનો લાભ લઈ અજાણ્યા શખ્સો ચાર બકરામાંથી એક બકરો ઉઠાવી ફરાર થઈ ગયા હતા.
બકરા ચોરી અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને આંબોલી તરફ જતા કાચા રસ્તા પરથી એક ફોરવ્હીલર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. વાહનની તલાશી લેતાં અંદરથી ચોરી કરાયેલો બકરો મળી આવતાં પોલીસે તેને મુક્ત કરાવ્યો હતો.
પોલીસે આ ગુનામાં નડિયાદના સંદીપ છગન સલાટ, છગન સોમાભાઈ સલાટ, પંકેશ મંગળભાઈ તળપદા અને વિપુલ મુકેશ તળપદાને ઝડપી પાડ્યા હતા.
ચારેય આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ.4.05 લાખનો મુદ્દામાલ કબજે કરી પશુચોરીનો ગુનો ઉકેલી નાખ્યો છે. આરોપીઓ અગાઉ પણ આવી જ રીતે પશુચોરીમાં સંડોવાયેલા હતા કે કેમ તેમજ અન્ય ચોરીના ગુનાઓમાં તેમની ભૂમિકા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
