ભરૂચ:
ભરૂચ શહેરમાં લગ્ન અને પ્રીવેડિંગ વીડિયોના નામે T-Seriesના કોપીરાઇટેડ ગીતોની કથિત પાયરસીનો પર્દાફાશ થયો છે. મોહમદપુરા વિસ્તારમાં આવેલા ઝમઝમ શોપિંગ સેન્ટરના પ્રથમ માળે ‘ગોલ્ડન ફોટો સ્ટુડિયો’માં પોલીસે દરોડો પાડી કમ્પ્યુટર સહિત બે હાર્ડડિસ્ક જપ્ત કરી સ્ટુડિયો સંચાલક સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
T-Seriesના એન્ટી પાયરસી એક્ઝિક્યુટિવ મિત દેસાઈને સ્ટુડિયોમાં કંપનીના ગીતોનો બિનઅધિકૃત ઉપયોગ થતો હોવાની માહિતી મળતાં ભરૂચ B ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમે પંચો તથા કંપનીના પ્રતિનિધિઓને સાથે રાખી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્ટુડિયોમાં હાજર રાહુલ પ્રફુલચંદ્ર મિસ્ત્રીની હાજરીમાં કમ્પ્યુટર અને બે 2 TB હાર્ડડિસ્કની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. તપાસમાં લગ્ન તથા પ્રીવેડિંગના વીડિયોમાં T-Seriesના ગીતો મિક્સ કરાયેલા ડેટા મળી આવ્યા હતા. ડેટામાં ‘સૂર્યવંશી’નું ‘મેરે યારા’, ‘ડંકી’નું ‘ઓ માહી’, ‘જીગરીયા’નું ‘અરજીયા’ અને ‘લવરાત્રી’નું ‘છોગાળા તારા’ સહિત અનેક ગીતો મળી આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે રૂ.40 હજારનો મુદ્દામાલ કબજે કરી રાહુલ મિસ્ત્રી વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમ 51, 63, 65 અને 68-A હેઠળ ફરિયાદ નોંધી છે. સ્ટુડિયોમાં કોપીરાઇટેડ ગીતોનો કેટલા સમયથી અને કેટલા ગ્રાહકોના વીડિયોમાં ઉપયોગ થયો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
