વાંકલ :
વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા, સંશોધનવૃત્તિ અને ગણિત-વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવાના હેતુથી માંગરોળ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન ભારતીય વિદ્યાભવન,GIPCL એકેડમી,નાની નરોલી ખાતે કરવામાં આવ્યું હતું.
આ વર્ષે પ્રદર્શનની થીમ “ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન” રાખવામાં આવી હતી. જેમાં તાલુકાની કુલ 57 શાળાઓના 114 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગણિત, વિજ્ઞાન,ટેકનોલોજી અને પર્યાવરણને લગતાં વિવિધ મોડેલ, પ્રયોગો અને નવીન કૃતિઓ રજૂ કરી હતી.વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વિચારશક્તિએ ઉપસ્થિત મહાનુભાવોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.મહાનુભાવોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ગામીત ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત GIPCL તરફથી ડેપ્યુટી જનરલ મેનેજર (HR&A)સચિન શાહ, ભારતીય વિદ્યાભવનના આચાર્ય વૈભવ અગ્રવાલ,દીપ ટ્રસ્ટની ટીમ,શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વિદ્યાર્થીઓની મહેનત અને વૈજ્ઞાનિક પ્રતિભાને બિરદાવવા દીપ ટ્રસ્ટ દ્વારા પ્રદર્શનમાં ભાગ લેનાર દરેક બાળ વૈજ્ઞાનિકને નોટબૂક અને સહભાગી દરેક શાળાને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. મહાનુભાવોએ વિવિધ કૃતિઓનું નિરીક્ષણ કરી બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવીન વિચારો સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.આ સમગ્ર સફળ આયોજન દીપ ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)વિનોદભાઈ વસાવા અને બી.આર.સી.કો-ઓર્ડિનેટર સંદીપભાઈ ધારૈયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.જેમાં દીપ ટ્રસ્ટની ટીમ,ભારતીય વિદ્યાભવન અને માંગરોળ બી આર સી ની ટીમ,હિતેન્દ્રભાઇ ચૌધરી, સુનિલભાઈ ચૌધરી, મોહનસિંહ ખેર તેમજ માંગરોળની ટીમ મહત્વનો સહયોગ આપ્યો હતો.અંતમાં દીપ ટ્રસ્ટના CEO વિનોદભાઈ વસાવાએ તમામ મહાનુભાવો, વિદ્યાર્થીઓ,શિક્ષકો અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
