Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા જેલમાં કેદીઓને માર માર્યાનો આક્ષેપ, જેલર વી.એમ. ચાવડા સામે ફરિયાદ : રૂ. 3 લાખની ચોરીની કબૂલાત કરાવવા કેદીઓને ગાળો આપી લાકડીના ફટકા માર્યાનો આક્ષેપ; સજા પૂર્ણ થયા બાદ પૂર્વ કેદીએ નોંધાવી ફરિયાદ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લા જેલમાં ચોરીના આરોપસર કબૂલાત કરાવવા માટે જેલરે ત્રણ કેદીઓને માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. જેલર વી.એમ. ચાવડાએ પોતાના ઘરમાંથી રૂ. 3 લાખની ચોરી કરી હોવાનો આરોપ મૂકી કેદીઓને ગાળો આપી, તમાચા માર્યા અને લાકડીથી પગના ભાગે ફટકા માર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે પૂર્વ કેદી લક્ષ્મણભાઈ વસાવાએ ફરિયાદ નોંધાવી કાયદેસરની તપાસની માગ કરી છે.

ફરિયાદ મુજબ, અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ બાલુભાઈ વસાવા ભરણપોષણની રકમ ચૂકવી ન શકતાં અંકલેશ્વરની ફેમિલી કોર્ટના હુકમ બાદ 31 મે, 2025થી ભરૂચ જિલ્લા જેલમાં સજા ભોગવી રહ્યા હતા. જેલમાં શરૂઆતમાં રસોડામાં અને ત્યારબાદ બહારપાર્ટીની કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરીમાં જેલના કેમ્પસની સફાઈ, કચરો બહાર કાઢવો અને વૃક્ષોની દેખરેખ રાખવા જેવી કામગીરીનો સમાવેશ થતો હતો.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 14 જૂન, 2026ના રોજ લક્ષ્મણભાઈ સહિતના કેદીઓ બહારપાર્ટીની કામગીરી માટે નીકળ્યા હતા. તે દિવસે અન્ય બે કેદીઓ પ્રકાશ વસાવા અને ભરત પરમારને જેલર ચાવડાના ઘરે ઘરકામ માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે લક્ષ્મણભાઈ અને રણજીત વસાવા જેલ કેમ્પસની બહાર ભંગારનો સામાન ખસેડવાની કામગીરી કરી રહ્યા હતા.

રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે જેલ સિપાહીએ લક્ષ્મણભાઈ, પ્રકાશ વસાવા, ભરત પરમાર અને રણજીત વસાવાને બોલાવતાં ચારેય જેલ અધિક્ષકની ઓફિસમાં પહોંચ્યા હતા. ત્યાં જેલર ચાવડાએ તેમના ઘરમાંથી રૂ. 3 લાખની ચોરી થઈ હોવાનું જણાવી રૂપિયા પરત આપવા અને ચોરીની કબૂલાત કરવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે. કેદીઓએ ચોરી કરી ન હોવાનું જણાવતાં જેલરે ગાળો આપી લક્ષ્મણભાઈ, પ્રકાશ અને ભરતને તમાચા માર્યા હોવાની ફરિયાદમાં વિગતો છે.

ત્યારબાદ જેલની અંદર મુખ્ય ગેટ પાસે આવેલા લીમડાના ઝાડ પાસે લઈ જઈ લક્ષ્મણભાઈ, પ્રકાશ અને ભરતને લાકડીથી પગના ભાગે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ચોરીની કબૂલાત ન કરતાં વધુ માર મારવાની ધમકી આપી રાત્રે આશરે સાડા બાર વાગ્યે ત્રણેયને અલગ-અલગ બેરેકમાં મોકલી દેવાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મારને કારણે લક્ષ્મણભાઈના જાંઘ અને થાપાના ભાગે ઉઝરડા પડ્યા હતા તથા ચાલવામાં તકલીફ થઈ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

ફરિયાદ મુજબ, બીજા દિવસે જેલના અધિકારી રાઠોડે કેદીઓને બોલાવી બનાવ અંગે પૂછપરછ કરી હતી. કેદીઓએ પોતાની સાથે થયેલી મારપીટની જાણ કરતાં ઇજાગ્રસ્ત ભાગોના ફોટા પાડવામાં આવ્યા હતા અને જેલમાં આવેલા સિવિલ હોસ્પિટલના તબીબ પાસે સારવાર પણ કરાવવામાં આવી હતી. ત્યારબાદ લક્ષ્મણભાઈની માતા નર્મદાબેન અને બહેન પ્રવીણાબેનને બનાવની જાણ કરવામાં આવી હતી. પરિવારે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સહિત અન્ય સ્થળોએ પણ ફરિયાદ કરી હોવાનું જણાવાયું છે.

લક્ષ્મણભાઈ વસાવા 25 સપ્ટેમ્બર, 2026ના રોજ સજા પૂર્ણ થતાં જેલમુક્ત થયા હતા. ત્યારબાદ તેમણે જેલર વી.એમ. ચાવડા સામે મારપીટ, ગાળાગાળી અને ચોરીની કબૂલાત કરાવવા દબાણ કરવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. આ મામલે આક્ષેપોની સત્યતા અને ઘટનાની સંપૂર્ણ હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


Share

Related posts

સુરતનાં નાના વરાછામાં 2 લાખની રોકડ, સોના-ચાંદીના દાગીના ચોરાયા, ચોર CCTV માં કેદ

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાને ૧૩૧ કરોડ રૂપિયાના ૭૦ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી.

ProudOfGujarat

“શું આપણે સામાન્ય લોકો કરતાં વધુ આદિવાસી છીએ?”: શેખર કપૂર એક હૃદયસ્પર્શી પ્રશ્ન પૂછે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!