ભરૂચ :
ભરૂચ શહેરના આઈકોનિક રોડ પર ઓઈલ ઢોળાઈ જતાં દ્વિચક્રીય વાહનચાલકો માટે માર્ગ જોખમી બન્યો હતો. કલેક્ટર કચેરી બહારથી ભૃગુઋષિ બ્રિજ સુધીના માર્ગ પર રોડની વચ્ચે ઓઈલ ફેલાઈ જતાં ત્યાંથી પસાર થતા અનેક બાઈક અને મોપેડ ચાલકો વાહન પરથી સંતુલન ગુમાવી રસ્તા પર પટકાયા હતા. આ ઘટનામાં અનેક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
મળતી વિગતો મુજબ, કોઈ વાહનમાંથી અથવા અન્ય કોઈ કારણસર માર્ગ પર ઓઈલ ઢોળાયું હતું. ઓઈલના કારણે રોડ લપસણો બની જતાં દ્વિચક્રીય વાહનચાલકોને વાહન પર કાબૂ રાખવો મુશ્કેલ બન્યો હતો. ઓઈલવાળા ભાગ પરથી પસાર થતી વખતે બાઈક અને મોપેડ સ્લીપ થતાં ચાલકો રોડ પર પટકાયા હતા. એક પછી એક વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતાં માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વાહનચાલકો રોડ પર પટકાતા આસપાસની દુકાનોના સંચાલકો, રાહદારીઓ અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને રસ્તાની બાજુમાં ખસેડી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનાએ શહેરના વ્યસ્ત માર્ગ પર વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે.
માર્ગ પર ઢોળાયેલા ઓઈલને કારણે વધુ અકસ્માતો સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ કરી માટી અથવા અન્ય યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરીને લપસણો ભાગ સુરક્ષિત બનાવવો જરૂરી છે. સાથે જ ઓઈલ કયા વાહનમાંથી અને કયા સંજોગોમાં ઢોળાયું તેની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.
