ભરૂચ :
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની મહત્વની બેઠક ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં આગામી 27 ઓક્ટોબરે યોજાનારી ‘લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો’ આક્રોશ પદયાત્રા તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનારી એકતા પરેડ સહિતના કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, ડી.કે. સ્વામી અને રીતેશ વસાવા, પૂર્વ પ્રમુખ પ્રકાશ મોદી, મારુતિસિંહ અટોદરિયા, યોગેશ પટેલ, જિલ્લા મહામંત્રીઓ જીગ્નેશ મિસ્ત્રી અને નરેન્દ્રસિંહ પરમાર, દુષ્યંત પટેલ, ખુમાનસિંહ વાંસિયા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આક્રોશ પદયાત્રા અને રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં સંગઠનની ભાગીદારી તથા કાર્યક્રમોના આયોજનને લઈને બેઠકમાં માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે આગેવાનો અને કાર્યકરો વચ્ચે સંકલન સાધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
