અંકલેશ્વર: બ્રહ્માનાદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન દ્વારા ગાના મ્યુઝિક ક્લબના સહયોગથી આગામી 25 ઓક્ટોબર, રવિવારના રોજ અંકલેશ્વરના AIA ઓડિટોરિયમ ખાતે ‘ગ્રાન્ડ મ્યુઝિકલ ઇવનિંગ’નું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6:30 વાગ્યે યોજાનારી આ સંગીત સંધ્યામાં જાણીતા ગાયક ઓસમાન મીર અને આમિર મીર પોતાની સંગીત પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આયોજકો દ્વારા સંગીતપ્રેમીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
બ્રહ્માનાદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન ભારતીય કલા, સંગીત અને સંસ્કૃતિના વારસાનું જતન કરી તેને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. સંસ્થા સંગીત, સાહિત્ય, શાસ્ત્ર અને સંસ્કાર એમ ચાર મંચના માધ્યમથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.
યુવાનો સહિત સમાજના વિવિધ વર્ગોમાં ભારતીય સંગીત, સાહિત્ય અને અધ્યાત્મ પ્રત્યે જાગૃતિ લાવવી, નવા અને પ્રતિભાશાળી કલાકારોને યોગ્ય મંચ પૂરો પાડવો તેમજ આર્થિક રીતે નબળા કલાકારોને સમાન તક ઉપલબ્ધ કરાવવી એ સંસ્થાના મુખ્ય ઉદ્દેશો છે. આ ઉપરાંત ભારતીય શાસ્ત્રીય સંગીત અને સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે નિઃશુલ્ક કાર્યક્રમો યોજીને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાના પ્રયાસો પણ કરવામાં આવે છે.
અંકલેશ્વરમાં યોજાનારી આ સંગીત સંધ્યા સંગીતપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણ બની રહેશે.
