ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપાલ) કંપની દ્વારા હજીરા ઓએનજીસી થી ઓપાલ દહેજ આવતી નેપ્થા પાઈપલાઈન પર લેવલ-III ઓફસાઈટ મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. જેસીબી દ્વારા ખોદકામ કરતી વખતે પાઇપલાઇન માં ભંગાણ થતા ગેસ લીકેઝના કારણે આગ ભભૂકી ઉઠતા આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ-૩ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ મોકડ્રીલ કટોકટીની સજ્જતા ચકાસવા માટે હાથ ઘરવામાં આવી હતી.
સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બૂઝાવવા પ્રયાસ કર્યા. જો કે આગ કાબૂમાં ન આવતા અંતે વહીવટીતંત્રને જાણ કરીને મદદ માંગવામાં આવી હતી. આ દુઘટર્ના અંગે જાણ થતાં જ અધિકારીશ્રીઓ તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ફાયર બ્રિગેડે અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રિલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ એક મોકડ્રિલ હતી જેને ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર સહિત એજન્સીઓના સંકલન અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આગ લાગવાની ઘટનાની જાણ થતાં સલામતી સુનિશ્ચિત કરવા પોલીસની ફર્સ્ટ રીસ્પોન્ડર ટીમો, ફર્સ્ટ એઇડ પાર્ટી, હાઉસ ફાયર પાર્ટી અને રેસ્કયૂ પાર્ટી એ ઘટના સ્થળે પહોંચીને રાહત-બચાવની કામગીરી શરૂ કરી હતી. ઘટના સ્થળથી સામાન્ય રૂપે જખ્મી ૨ કામદારોને કંપની ની અંદર કાર્યરત ઓએચસી ખાતે જ જરૂરી સારવાર અપાઈ હતી. બીજી તરફ આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટરની ટીમે પાણીનો છંટકાવ સાથે આગ બૂઝાવવાની કામગીરી કરતા સંપૂર્ણ આગ કાબૂમાં આવી ગઇ હતી.
આ ઓફસાઈટ મોકડ્રિલનો હેતુ સંભવિત અકસ્માતની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી, ઝડપી મદદ અને રાહત- બચાવના પગલાંઓ ભરી કઇ રીતે જાનહાનિને ટાળી શકાય તથા તમામ સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવાનો હતો. મોકડ્રીલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોકડ્રિલ બાદ ડી-બ્રિફિંગમાં ઉપસ્થિત મામલતદાર શ્રીએ મોકડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો આપી જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા.
જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગ સાથે શ્રી નિકુંજ સાવલા મામલતદાર – ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરૂચ, શ્રી વારિસ ધડિયાલી ડીપીઓ ભરૂચ, શ્રી રિતેશ વસાવા, સર્કલ ઓફિસર, વાગરા મામલતદાર કાર્યાલય સહિત જીએસીએલ, ટોરેન્ટ, ઓએનજીસી, જીસીપીએલ, દહેજ સેઝ લિમિટેડ, આરઆઈએલ, પેટ્રોનેટ એલએનજી વગેરેના ફાયર ટેન્ડર અને પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મોક ડ્રીલ ને સફળતા પૂર્વક પાર પાડવાના હેતુ થી ડો. જે જે રાજપુત, સિનિયર મેનેજર, પબ્લિક રિલેશન્સ, ઓપાલ દ્વારા જિલ્લા વહીવટ તંત્ર ના અધિકારીઓ સાથે સંકલન કરાયું હતું અને અંતે જિલ્લા વહીવટ તંત્ર તેમજ મ્યુચ્યુઅલ એડ ઉદ્યોગો ના સહયોગ થી આ મોક ડ્રીલ સફળતા પૂર્વક યોજાઈ હતી.
