અંકલેશ્વર :
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ અંકલેશ્વર શહેરમાં વાલિયા ચોકડી પાસે આવેલી હોટલ એરોન પ્લાઝામાં દરોડો પાડી રૂ.2,80,513ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. હોટલના રૂમ નંબર 302માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા બિયરનાં ટીન મળી કુલ 137 નંગ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચનાના પગલે દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને હોટલો, ઢાબાઓ અને મુસાફરખાનાંઓમાં તપાસ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન LCBના પો.સ.ઇ. વી.પી. મલ્હોત્રાની ટીમ અંકલેશ્વર GIDC વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે બાતમી મળી હતી કે વાલિયા ચોકડી પાસે આવેલી હોટલ એરોન પ્લાઝાના રૂમ નંબર 302માં વેચાણના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે.
બાતમીના આધારે પોલીસે હોટલના રૂમમાં તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરનાં ટીન મળી આવ્યાં હતાં. પોલીસે કુલ 137 નંગ દારૂ અને બિયરની વસ્તુઓ, જેની કિંમત રૂ.2,80,513 થાય છે, તે જપ્ત કરી હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે કરણ નીતિન રુધાણી, રહે. અક્ષરદીપ એપાર્ટમેન્ટ, અંકલેશ્વર GIDC,ને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં LCBના પો.સ.ઇ. વી.પી. મલ્હોત્રા, અ.હે.કો. શ્રીપાલસિંહ, અ.હે.કો. વિશાલભાઈ અને પો.કો. વિજયભાઈ મુંધવા જોડાયા હતા. દિવાળીના તહેવાર દરમિયાન હોટલો અને અન્ય સ્થળોએ તપાસ વધારવામાં આવતાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસની કાર્યવાહી વધુ સઘન બની છે.
